ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, ભાજપ ધારાસભ્ય સંદિપ દેસાઈને બદનામ કરવા મામલે તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થયો હતો. ત્યારે પત્રિકા અને પેનડ્રાઈવ પણ વાયરલ થઈ છે. ત્યારે આ મામલે સંદિપ દેસાઈએ બદનક્ષીની ફરીયાદ દાખલ કરાવી છે. પત્રિકા અને પેનડ્રાઈવ મામલે રાકેશ સોલંકી, દીપુ યાદવ, ખુમાનસિંહ વિરુદ્ધ ફરીયાદ ક્રાઈમ બ્રાન્ચમાં દાખલ કરાઈ છે. ત્યારે હવે આ મામલે પત્રિકા કાંડમાં અન્ય કેટલાક નામો પણ સામે આવી શકે છે. આ વાયરલ પત્રિકામાં ફંડને લઈને ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. અગાઉ આ મામલે અરજી અપાયા બાદ ફરિયાદ દાખલ થઈ છે.
બીજેપી ધારાસભ્ય સંદિપ દેસાઈએ આ ત્રણેય સામે ફરીયાદ દાખલ કરાવી છે. પોલીસે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી છે અને તપાસ શરુ કરવામાં આવી છે. ચૂંટણી ફંડના દુરુપયોગના આરોપસરની પત્રિકાઓ ફરતી કરવામાં આવી છે. આવું કરવા પાછળ અન્ય કોણ કોણ જવાબદાર છે તે બાબતે પણ તપાસ કરાશે.
આ મામલે સંદીપ દેસાઈએ કહ્યું કે, મારી અન્ય ધારાસભ્ય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને બદનામી કરતી પત્રિકા વાયરલ થઈ હતી. જેના અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચમાં અરજી આપી હતી તેના અનુસંધાને એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પત્રિકામાં સંદિપ દેસાઈને બદનામ કરવાના લખાણો લખાયા હતા. અન્ય ધારાસભ્યોના લખાણો પત્રિકા અને પેનડ્રાઈવ ભાજપ નેતાઓને પોસ્ટમાં મોકલવામાં આવ્યા હતા. પાલેજ અને ભરુચથી પત્રિકા, પેનડ્રાઈવ પોસ્ટ કરાઈ હોવાની વિગતો પણ સૂત્રો તરફથી પ્રાપ્ત થઈ હતી. આ મામલે ત્રણની પૂછપરછ કરવામાં આવશે.કોર્ટમાં હાજર કરીને રીમાન્ડની માગ પણ કરવામાં આવશે. પેનડ્રાઈવ રુબરુ નહીં પરંતુ બાય પોસ્ટ અપાઈ હતી ત્યારે આ બાબતને લઈને પણ તપાસ કરવામાં આવશે.
અગાઉ વડોદરામાં પણ પેમ્ફલેટની ઘટના બની હતી. જેમાં ભાજપના કોર્પોરેશનના નેતાએ મેયર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા પેમ્ફલેટ વાયરલ કર્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. ત્યારે હવે ફરી એકવાર સુરતમાં આ પ્રકારે પત્રિકાનો મામલો બદનામ કરવાના ઈરાદાથી સામે આવ્યો છે.