ગુજરાત બીજેપીના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યાના સમાચારે ભાજપની રાજનિતીમાં હટકંપ લાવી દીધો છે. સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કેમ રાજીનામું આપ્યું અને શા માટે જો કે, પ્રદેશ મહામંત્રી રજની પટેલનું કહેવું છે કે, અમને કોઈ ફરીયાદ એમની મળી નથી. વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે.
પાર્ટીના નેતાઓએ તેમના રાજીનામાની પુષ્ટિ કરી છે. ગુજરાત છેલ્લા ચાર મહિનામાં જિલ્લા કક્ષાએ રાજીનામા સતત પડ્યા છે. આવી સ્થિતિમાં પાર્ટીની અંદર રાજકારણ ગરમાયું છે. પ્રદીપસિંહ વાઘેલા ગુજરાતમાં સંગઠન અને સત્તાના પાવર સેન્ટર કમલમની જવાબદારી પણ સંભાળી રહ્યા હતા. વિદ્યાર્થી જીવનથી રાજકારણમાં આવેલા પ્રદિપસિંહ વાઘેલાની વિદાય પાછળ વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. એવી ચર્ચા છે કે જમીનના સોદામાં તેમનું નામ સામે આવતાં તેમને રાજીનામું આપવા માટે દિલ્હીથી કહેવામાં આવ્યું હતું. જો કે, આ વાતને લઈને હજૂ કોઈ સ્પષ્ટતા સામે નથી આવી જ્યારે ભાજપે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હોવાનું કહ્યું છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રદીપસિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કહેવાથી સાત દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું, જો કે કમલમમાં તેમના પ્રવેશ પર કોઈ પ્રતિબંધ નથી. તો બીજી તરફ પ્રદિપસિંહ વાઘાલાએ રાજીનામાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે તેઓ અગ્નિપરીક્ષામાંથી પસાર થઈને બહાર આવશે.
સી.આર.પાટીલ પછી વાઘેલા સૌથી શક્તિશાળી સંગઠનના નેતા હતા. ભૂતકાળમાં, જ્યારે રાજ્ય ભાજપના વડામાં ફેરફારની અટકળો ચાલી રહી હતી, ત્યારે પ્રદીપસિંહ વાઘેલા સૌથી આગળ રેસમાં હતા. જોકે પક્ષે રાજ્યમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. માનવામાં આવી રહ્યું છે કે આગામી 10 દિવસમાં ગુજરાત ભાજપમાં પણ મોટા ફેરફારો થઈ શકે છે.
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં પણ આંતરકલહ સામે આવી રહી છે. કેમ કે, ભાજપમાં તાજેતરમાં જ પત્રિકા કાંડમાં અંદરના જ નેતાઓની સંડોવણી હોવાનું સામે આવ્યું છે ત્યારે ફરી ભાજપમાં રાજીનામાની વાતે જોર પકડતા આ વાતની પુષ્ટી થઈ છે.