મહાનગરપાલિકાની એક અને નગરપાલિકાની 29 બેઠકોની પેટા ચૂંટણી યોજાઇ હતી તેના પરિણામ આજરોજ જાહેર થયા છે તે સંદર્ભે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી.
રજનીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગત રવિવારે રાજયમા મહાનગર પાલિકા અને નગરપાલિકાની પેટા ચૂંટણી યોજાઇ હતી જેના પરિણામ આજરોજ જાહેર થયા છે. જનતાનો પક્ષ પ્રત્યે વિશ્વાસ વધતો જાય છે. ગુજરાતમાં ભુપેન્દ્રભાઇ પટેલની સરકારમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યુ છે. પેટા ચૂંટણીમાં દરેક મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ બતાવ્યો છે તે બદલ જનતાનો આભાર માનું છું.
ભાજપે એક મહાનગર પાલિકા અને 20 નગરપાલિકા મળીને કુલ 21 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. અંદાજે કુલ 70 ટકા જેટલી બેઠકો ભાજપને ફાળે આવી છે. તો ત્રણ બેઠકો પર કોંગ્રેસની તો પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે.
રજનીભાઇએ વધુમાં જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રસરકારે ગરિબોના ઉત્થાન માટે કામ કર્યુ છે આવનાર લોકસભા ચૂંટણીમાં પણ જનતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ભવ્ય વિજય આપશે. કોઇ પણ પ્રકારનું ગઠબંઘન ભારતના મતદારો પર અસર કરી શકે તેમ નથી. જનતાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ છે તે અંકબંધ રહેવાનો છે.