સુરતની બેંકમાં ધોળા દહાડે રોકડા રૂપિયા 13 લાખની લૂંટની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, સુરતના સચિન વાંજ ગામની એક બેંકમાંથી 5થી 6 જેટલા શખ્સ લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થયા હતા. બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે બંદૂકની અણીએ લુટારુઓ લૂંટ મચાવી ફરાર થતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
બંદૂકની અણીએ કર્મચારીઓને બંધક બનાવ્યા
સુરતના સચિનના વાંજ ગામે આવેલી બેંક ઓફ મહારાષ્ટ્રમાં ધોળા દિવસે 5થી 6 અજાણ્યા લોકો આવ્યા હતા. તેમની પાસે બંદૂકો પણ હતી. તેમણે બેંકના કર્મચારીઓને બંદૂક બતાવી બંધક બનાવ્યા હતા અને રોકડા રૂ. 13 લાખની લૂંટ કરીને ત્યાંથી ફરાર થયા હતા. બેંકમાં લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. આ મામલે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
લૂંટ કોને કરી અને કોણ કોણ આ લૂંટની ઘટનામાં સામેલ છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બેંકમાં લૂંટ કરનારા લુટારુઓની ધરપકડ કરવા માટે પોલીસે બેંકના સીસીવીટી ફૂટેજ પણ ચેક કર્યા છે, જેના આધારે હવે પોલીસ લુટારુઓની ઓળખ કરી તેમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.