અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ૧૨૬ મું અંગદાન થયું. મધ્યમવર્ગીય પરિવારના ભરતભાઇ રાઠોડના મોટા બહેન અને નાના ભાઇએ અંગદાનનો નિર્ણય કર્યો. જેના થકી વિશ્વ અંગદાન દિવસે સિવિલ હોસ્પિટલમા થયેલ અંગદાન થી બે જરુરિયાતમંદોને નવજીવન મળ્યું. સમગ્ર ઘટના એવી બની કે, ભરતભાઇ રાઠોડ બે દિવસ અગાઉ ઢળી પડ્યા.જેનાથી માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી અને ખેંચ આવી.જેથી પરિવારજનો ચિંતાતુર બન્યા અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા.
અહીં તબીબોએ સઘન સારવાર હાથ ધરી.પરંતુ ૪૮ કલાકની સારવારના અંતે આજે તા. ૧૩ મી ઓગષ્ટે તેઓને બ્રેઇન ડેડ જાહેર કરાયા.
વિધિના લેખ તો જુઓ . વિશ્વ આખું જ્યારે આજે વિશ્વ અંગદાન દિવસની ઉજવણી કરીને લોકોને અંગદાન માટે પ્રેરિત કરી રહ્યું હતુ ત્યારે રાણીપમાં રહેતા આ રાઠોડ પરિવારે ખરા
અર્થમા આ દિવસનો ધ્યેય સિદ્ધ કર્યો.
તબીબો દ્વારા જ્યારે ભરતભાઇને બ્રેઇન ડેડ જાહેર કરાયા ત્યારે કાઉન્સેલર્સે પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા આપી. પરિવારજનોએ પણ પરોપકારના ઉમદાભાવ સાથે અંગદાનનો નિર્ણય કર્યો અને બે જીંદગી ઉજાગર કરી.
રાણીપમાં રહેતા ભરતભાઇ રાઠોડ આમ તો ૫૬ વર્ષ સંધર્ષમય જીવ્યા પરંતુ આ દુનિયા છોડતા પહેલા ૨ લોકોની જીંદગીમા ઉજાસ પાથરી ગયા. સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી જણાવે છે કે, વિશ્વ અંગદાન દિવસે રાઠોડ પરિવાર દ્વારા કરવામાં આવેલ અંગદાન ખરા અર્થમાં વિશ્વ અંગદાન દિવસનો ધ્યેયમંત્ર સાર્થક કરે છે. વિશ્વ અંગદાન દિવસની વિશ્વ વ્યાપી ઉજવણી લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા માટે જ છે.વધુમા વધુ લોકો અંગદાન થી જીવતદાન ના આ યજ્ઞ માં જોડાય તે માટે ડૉ જોષીએ લોકોને અનુરોધ કર્યો છે.