આઝાદીના 76 વર્ષ પૂર્ણ થતા 77મો સ્વતંત્રતા દિવસ આવતી કાલે ઉજવવામાં આવશે. ત્યારે આઝાદીના સમયથી લઈને અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં ખૂબ મોટો ધરખમ વધારો થયો છે. જેને અગાઉ સોનું ખરીદીને રાખ્યું હતું તેઓ માટે સોનું ખૂબ ફાયદાકારક કર્યું છે. કેમ કે, જો તમે આઝાદી સમયે 10,000 રૂપિયાનું સોનું પણ લીધું હોત તો આજે તમારા રોકાણની કિંમત 66,47,500 રૂપિયા હોત. જો કે, આઝાદીના સમયથી લઈને અત્યાર સુધી કેટલાક ભાવમાં વધારો થયો તે ખૂબ જ રસપ્રદ આંકડાઓ છે.
વર્ષ 1942માં નાની કિંમત 44 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 1947માં સોનાની કિંમત 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. ભાવ પછીથી ઘટતા વર્ષ 1964માં સોનાનો ભાવ 63.25 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. આ પછી સોનાના ભાવમાં ઝડપથી વધારો થયો હતો. વર્ષ 1970માં સોનું 184 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ પછી, વર્ષ 1975માં તે 540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 1980માં 1,333 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો.
વર્ષ 1985માં સોનાની કિંમત 2,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી વર્ષ 1990માં તે વધીને 3200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. વર્ષ 2000માં સોનાની કિંમત વધીને 4,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. 2005 અને 2010 વચ્ચે સોનાના ભાવમાં જબરદસ્ત વધારો થયો હતો. 2005માં સોનાની કિંમત 7000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. 2010માં તે વધીને 18,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો. વર્ષ 2020 સુધીમાં આ કિંમત 48,651 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. હવે આજે સોનું 59,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. થોડા મહિના પહેલા જ સોનાનો ભાવ 62,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો હતો.