ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ હોવા છતાં બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધો ઝડપથી વધી રહ્યા છે. પરંતુ બીજી તરફ પાકિસ્તાન પોતાની નીચી હરકતો દ્વારા પોતાનું અપમાન કરાવી લે છે. ભારત સાથે પણ તેના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી. આ જ કારણ છે કે પાકિસ્તાનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરતી વખતે ચીને તેને સલાહ આપી છે કે ‘પાકિસ્તાને ભારત પાસેથી કંઈક શીખવું જોઈએ’. ચીનના એક નિષ્ણાતે પાકિસ્તાનને ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાને છેલ્લા કેટલાક વર્ષોમાં જે પ્રકારનો વિકાસ કર્યો છે તેનાથી શીખવું જોઈએ. ખરેખર, તાજેતરમાં જ ભારત અને પાકિસ્તાન બંનેએ તેમના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન પાકિસ્તાનમાં જ ચર્ચા ચાલી કે આજે ભારત ક્યાં ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે અને પાકિસ્તાન કેટલું પાછળ ઉભું છે.
પાકિસ્તાનને સલાહ આપનાર ચીનના નિષ્ણાતનું નામ હુ શિશેંગ છે. તેઓ બીજિંગમાં ચાઇના ઇન્સ્ટિટ્યૂટ ઑફ કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ રિલેશન્સ (CICIR) ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઉથ એશિયન સ્ટડીઝના ડિરેક્ટર છે. પાકિસ્તાનમાં એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બોલતા તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારત તરફ જોવું જોઈએ અને તેમાંથી શીખવું જોઈએ. ભારતના વિકાસ પર ધ્યાન આપવું જોઈએ.
ભારતની જેમ વિકાસ કેમ ન કરી શક્યું પાકિસ્તાન?
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતનો આ ઝડપી વિકાસ મુખ્યત્વે ગુજરાત મોડલ પર આધારિત છે. પાકિસ્તાન આ રીતે વિકાસ કેમ ન કરી શક્યું. આવા મોડલ હેઠળ વિકાસ કેમ ન થઈ શક્યો એ વિચારવું જોઈએ. આ દરમિયાન ચીની નિષ્ણાતે એવું પણ સૂચન કર્યું કે નવી યોજનાઓ શરૂ કરવાને બદલે પાકિસ્તાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેને પુનર્જીવિત કરવું જોઈએ. જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે તેઓ બેકાર ન રહે.
આત્મનિર્ભરતા વધારવા કહ્યું
ચીની નિષ્ણાતે પાકિસ્તાનને તેની નાણાકીય ખાધ દૂર કરવા, બિઝનેસ સુધારવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિપેર કરવા જણાવ્યું. એમ પણ કહ્યું કે આ માટે ‘સ્વ-નિર્ભરતા’ વધારવી પડશે. આ દરમિયાન તેણે પાકિસ્તાનને તેના વિકાસ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે નવા ક્ષેત્રીય ભાગીદારો લાવવાનો પ્રયાસ કરવા પણ કહ્યું.
ઇમરાન ખાને પણ કર્યા હતા ભારતના વખાણ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન પણ પોતાની ઘણી રેલીઓમાં ભારતના વખાણ કરી ચુક્યા છે. ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને તાજેતરમાં સુધી પાકિસ્તાનના પીએમ રહી ચૂકેલા શહેબાઝ શરીફના કાર્યક્ષમ નેતૃત્વની ઘણી વખત તુલના કરી ચુક્યા છે. ભારતના વખાણ કરતા ઇમરાન ખાને પાકિસ્તાનને શીખવાની સલાહ આપી હતી. ખાને કહ્યું હતું કે જે નવી તકનીકી ક્રાંતિ છે આઇટીની, ભારત એમાં 20 વર્ષ પહેલા ક્યાં હતું અને આજે તેની નિકાસ જુઓ અને આજે આપણી તરફ જુઓ. ભારત આપણાથી ઘણું આગળ છે. ભારતના IT ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે.