કોરોના વાયરસનો ખતરો હજુ ટળ્યો નથી. તેના નવા વેરિઅન્ટ્સ સામે આવી રહ્યા છે. હવે કોવિડનું એક નવા વેરિઅન્ટ, ERISએ દસ્તક આપી છે. વિશ્વના ઘણા દેશોમાં તેના કેસ વધી રહ્યા છે. આ વેરિઅન્ટ કોરોનાના અન્ય તમામ પ્રકારો કરતાં વધુ ઘાતક હોવાનું કહેવાય છે. WHO અનુસાર, આ પ્રકાર ખૂબ જ ખતરનાક સ્વરૂપ લઈ શકે છે. WHOએ તમામ દેશોને આ અંગે સાવચેત રહેવાની ચેતવણી આપી છે.
ERIS વેરિઅન્ટની પહેલીવાર જુલાઇ 2023માં ઓળખ કરવામાં આવી હતી. આ બ્રિટનમાં ફેલાતો સૌથી ખતરનાક કોવિડ વેરિઅન્ટ છે. ઉત્તર અમેરિકા, એશિયાના ઘણા દેશોમાં ERIS ફેલાતો જોવા મળી રહ્યો છે. જાપાનમાં આ વેરિઅન્ટને કારણે કોરોનાની નવમી લહેર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. EG.5 નો ભય સતત વધી રહ્યો છે. ઓમિક્રોનમાંથી ઉદ્દભવેલા આ પ્રકારને એક સબવેરિઅન્ટ કહેવામાં આવી રહ્યો છે.
20 ટકાથી વધુ ઝડપથી ફેલાય છે આ વેરિઅન્ટ
EG.5 વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટ કરતા 20.5% ઝડપથી ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ તેને દેખરેખ રાખવા માટેના કોરોના વેરિઅન્ટની યાદીમાં ઉમેર્યું છે, જે વૈશ્વિક ચિંતા દર્શાવે છે.
ભારત પણ વધારી શકે છે જોખમ
ભારતમાં ERIS સબવેરિઅન્ટનો પહેલો કેસ મે 2023માં જોવા મળ્યો હતો. જો કે, છેલ્લા 3 મહિનામાં તેના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો નથી. પરંતુ આરોગ્ય મંત્રાલય તેના પર નજર રાખી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ વેરિઅન્ટ એટલો ખતરનાક છે કે તે મુશ્કેલીઓને વધુ વધારી શકે છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના 51 નવા કેસ નોંધાયા છે અને સારવાર હેઠળ દર્દીઓની કુલ સંખ્યા હવે 1,468 છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટ ડેટા અનુસાર, કોરોના વાયરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,31,925 દર્દીઓના મોત થયા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, અત્યાર સુધીમાં સંક્રમણના 4.49 કરોડ કેસ નોંધાયા છે, જેમાંથી 4,44,63,206 લોકો તેમાંથી સ્વસ્થ થયા છે. સંક્રમણથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.81 ટકા છે અને મૃત્યુ દર 1.18 ટકા છે. વેબસાઇટ અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
WHOએ શું કહ્યું
WHOના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમે કહ્યું કે, જોકે વિશ્વમાં કોવિડ 19ની કોઈ કટોકટી નથી, પરંતુ તેના વેરિઅન્ટ ખતરાના રૂપમાં ઉભરી રહ્યા છે. તે આજે પણ દુનિયા માટે ખતરો સાબિત થઈ શકે છે. કોરોનાના નવા વેરિઅન્ટનું ટ્રેકિંગ અને તપાસ કરવામાં આવી રહી છે. WHOના વડાએ 20માં સ્વાસ્થ્ય મંત્રીઓ સાથેની બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે આના પર ઝડપથી કામ કરો જેથી તેને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મંજૂરી મળી શકે.