કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે ઇટલા ગામમાં આવેલા મહાદેવવાસમાં રહેતા બુટલેગરના ઘરે દરોડો પાડ્યો હતો અને ઘરની નજીક જમીનમાં ખાડો ખોદી દાટેલા પીપમાં સંતાડેલ 33 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગરની ધરપકડ કરી હતી.
કલોલ તાલુકા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ઇટલા ગામમાં આવેલા મહાદેવવાસમાં 21 વર્ષીય બુટલેગર વિપુલ ઠાકોર પોતાના ઘરની નજીક ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને વેપાર કરે છે. આથી પોલીસે બાતમીના આધારે વિપુલ ઠાકોરના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન બુટલેગરના ઘરની નજીક કાચા છાપરાંમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા જમીન ખોદી હતી. દરમિયાન બુટલેગરનો પસીનો છૂટી ગયો હતો.
જમીનમાંથી દાટેલું પીપ મળી આવ્યું
જમીન ખોદતા તેમાં પ્લાસ્ટિકનું એક પીપ દાટેલું મળી આવ્યું હતું, જેમાં તપાસ કરતા વિદેશી દારૂની કુલ 76 બોટલ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા બુટલેગરે જણાવ્યું હતું કે તે આ દારૂનો જથ્થો માણસાના વાયવાસમાં રહેતા હીમુ ઠાકોર પાસેથી લાવ્યો હતો. આ મામલે પોલીસે રૂ. 33 હજારની કિંતમનો દારૂનો જથ્થો જપ્ત કરી બંને બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાત ધરી છે.