સમગ્ર વિશ્વમાં દર વર્ષે 24 ઓગસ્ટના રોજ વિશ્વ ગુજરાતી દિવસની ઉજવણી કરવામાં આવે છે. શું આપ સૌને ખ્યાલ છે? શા કારણે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે?
ચાલો તો જાણીએ, ગુજરાતી ગદ્યના પ્રણેતા વીર નર્મદનો જન્મદિવસ 24 ઓગસ્ટ 1833ના રોજ સુરત ખાતે થયો હતો. તેઓએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે ઉમદા કામગીરી કરી હોવાથી
આપણે સૌ આજે તેમના જન્મદિવસ નિમિત્તે વિશ્વ ગુજરાતી દિવસની ઉજવણી કરીએ છીએ. કવિ નર્મદે ગુજરાતના રાજ્ય ગીત જય જય ગરવી ગુજરાત દીપે અરુણ પ્રભાત ની રચના
કરી હતી. સાથે જ તેઓએ ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ નર્મ કોષ પણ આપણે સૌને આપ્યો છે. તેમજ તેમણે વર્ષ 1864માં દાંડિયો પાક્ષિકની શરૂઆત કરી અને સમાજ સુધારણા કાર્યક્રમની શરૂઆત કરી હતી.
તેઓએ આઝાદી પૂર્વેના કપરા સમયમાં પણ સમાજને ગુજરાતી સાહિત્યના રસમાં તરબોળ કર્યા છે, અને ગુજરાતી ભાષા પ્રત્યેનું માન કરાવ્યું છે. જે આપણા સૌ માટે હર-હંમેશ પ્રેરણા સ્વરૂપ બની રેહશે. આ સાથે જ આપણે સૌ જાણીએ છીએ કે કવિ નર્મદ ગુજરાતી સાહિત્યમાં સુરતના ત્રણ નન્ના કહેવાતા નંદશંકર મહેતા અને નવલરામ પંડ્યામાંના એક છે. ગુજરાતી સાહિત્યના વિકાસ માટે સુરત ખાતે નર્મદ સાહિત્ય સભા આજે પણ ચાલી રહી છે. આ સંસ્થા દ્વારા વર્ષ 1939થી દર વર્ષે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સાહિત્યપ્રદાન કરનારને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવે છે.
આ તો વાત થઈ વીર કવિ નર્મદની આવો હવે વાત કરીએ વિશ્વ ગુજરાતી ભાષા દિવસની. ભારતીય બંધારણમાં અનુસૂચિ 8 મુજબ માન્યતા પ્રાપ્ત કરનાર ભાષાઓમાંની એક છે.
આપણી ગુજરાતી ભાષા. સંસ્કૃત શબ્દ ગુર્જરત્રા અને પ્રાકૃત શબ્દ ગુર્જજરતા પરથી ગુજરાત શબ્દ ઉતરી આવ્યો છે. આમ તો ગુજરાતી શબ્દના ત્રણ અર્થ કરવામાં આવે છે, જેમાં પ્રથમ અર્થ ગુજરાતનું, દ્વિતીય અર્થ ગુજરાતી ભાષા અને તૃતીય ગુજરાતનો રહેવાસી એમ કરવામાં આવે છે. ગુજરાતી એ મૂળ આર્ય કુળની ભાષા છે. ગુજરાતી લિપિએ દેવનાગરી લિપિ સાથે મળતી આવે છે કારણકે તે ત્યાંથી જ લેવામાં આવી છે. ગુજરાતી ભાષામાં અપાયેલ અને એવા અક્ષર છે કે જેનાથી કોઈ શબ્દ શરૂ થતો નથી.
ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ હેમચંદ્રાચાર્યે તૈયાર કર્યું હતું, જેનું નામ સિદ્ધહેમ શબ્દાનુશાસન હતું, જે સિધ્ધરાજ જયસિંહના સમયમાં વર્ષ 1135માં લખાયેલ હતું. બહુ ઓછા
લોકોને ખ્યાલ છે કે ગુજરાતી ભાષામાં પણ 60 થી વધુ બોલીઓનો સમાવેશ થાય છે. એક આર્ટીકલ મુજબ, આજથી 226 વર્ષ પહેલાં ધી બોમ્બે કુરિયર નામના અંગ્રેજી અખબારમાં 28મી જાન્યુઆરી, 1797ના રોજ ગુજરાતી ભાષામાં પહેલી જાહેરખબર છપાઇ હતી. પાકિસ્તાનના કરાચીમાં આજે પણ વતન’ અને ‘મિલ્લત’ નામનાં બે અખબારો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય છે.
આજે પણ દેશમાં 6ઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા ગુજરાતી છે. 700 વર્ષથી પણ જૂની અને 6 કરોડથી વધુ લોકો દ્વારા બોલાતી ભાષા ગુજરાતી આજે વિશ્વ ફલક પર પહોંચી છે. આ સાથે જ ભારતના પૂર્વનાં રાજ્યોમાં પણ ગુજરાતી બોલતા લોકો મળી રહે છે. ગુજરાત પછી સૌથી વધુ ગુજરાતી મહારાષ્ટ્રમાં બોલાય છે. મહારાષ્ટ્રમાં લગભગ 24 લાખથી વધુ લોકો ગુજરાતીને પોતાની માતૃભાષા ગણે છે. એક અંદાજ મુજબ, દુનિયાના 50 કરતાં પણ વધારે દેશોમાં ગુજરાતીઓ રહે છે, અને ગુજરાતીઓ દ્વારા હજુ પણ ઘરમાં તો ગુજરાતી જ બોલવામાં આવે છે. અમેરિકામાં ભારતીય ભાષાઓમાં હિન્દી પછી સૌથી વધારે બોલાતી ભાષા ગુજરાતી છે. યુ.કે.માં પણ ગુજરાતી ભાષાનું પ્રભુત્વ વધારે છે, એટલે કે વિશ્વમાં 33 સૌથી વધુ બોલાતી ભાષામાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે.