પંદરમી વિધાનસભાના બીજા સત્ર દરમિયાન દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા ગાંધીનગર જિલ્લામાં રસ્તાઓ પહોળા કરવા બાબત અંગે પૂછાયેલાં લેખિત પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં માર્ગ અને મકાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે છેલ્લા ૨ વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં રાજ્ય હસ્તકના ૫ રસ્તાઓને પહોળા કરવા ૧૮,૧૪૫ લાખ રૂપિયાના કામોની મંજૂરી આપવામાં આવી છે. જેમાંથી ૪ રોડના કામો ટેન્ડર પ્રક્રિયાના તબક્કે છે જ્યારે ૧ રોડનું કામ પ્રગતિમાં છે. આ ઉપરાંત અગાઉના વર્ષમાં ૪૩.૭૦૦ કિમીના ૬,૧૫૦ લાખ રૂપિયાના કુલ ૪ રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવેલ છે.
ગાંધીનગરના બાલવાથી માણસા તાલુકાને જોડતો રોડ ચારમાર્ગીય બનશે
પંદરમી વિધાનસભાના બીજા સત્ર દરમિયાન માણસાના ધારાસભ્ય જયંતીભાઈ પટેલ દ્વારા ગાંધીનગરના બાલવાથી માણસાને જોડતા રોડને ચારમાર્ગીય કરવા અંગે પૂછાયેલાં લેખિત પ્રશ્નના લેખિત પ્રત્યુત્તરમાં માર્ગ અને મકાન મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગાંધીનગર જિલ્લાના બાલવા ગામથી માણસા તાલુકાને જોડતા રોડને ચાર માર્ગીય કરવા માટેની મંજૂરી મળી ગયેલ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાલવાથી માણસાના રોડને ચાર માર્ગીય બનાવવા માટે ૪,૦૦૦ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ રોડ બનાવવા માટેની કામગીરી હાલ ટેન્ડર તબક્કે છે.