અમદાવાદમાં એક યુવકને મેટ્રોમોનિયલ એપ પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી છે. યુવતીએ સામેથી રિક્વેસ્ટ મોકલીને યુવક સાથે મિત્રતા કેળવી હતી. ત્યાર બાદ યુવકને વિશ્વાસમાં લઈ પિતાની તબિયત સારી ન હોવાનું કહીને રૂ.5.95 લાખ પડાવ્યા હતા. યુવતીએ રૂપિયા પરત ન કરતા યુવકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. તપાસમાં સામે આવ્યું કે યુવતીએ તે રૂપિયાથી એક શ્વાન ખરીદ્યું હતું.
અમદાવાદના એક યુવકને મેટ્રોમોનિયલ એપ પર એક યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. યુવકે તે રિકવેસ્ટ સ્વીકારતા બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. ત્યાર બાદ બંનેએ એકબીજાના મોબાઇલ નંબર લઈ વાત કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ યુવકને ગોવામાં નોકરી કરતી હોવાનું અને માતા-પિતા મુંબઈમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. યુવતીએ યુવકનો વિશ્વાસ કેળવવા માટે તેણી માતા સાથે પણ વાત કરાવી હતી. દરમિયાન તેણીએ યુવકને કહ્યું કે, તેના પિતાને હાર્ટ એટેક આવ્યો છે અને પૈસાની જરૂર છે.
તપાસમાં ચોંકાવનારો ખુલાસો
આથી યુવકે યુવતીને પહેલા રૂ. 30 હજાર અને ત્યાર બાદ અલગ અલગ ટ્રાન્ઝેક્શન થકી કુલ રૂ. 5.95 લાખ આપ્યા હતા. જો કે, ત્યાર પછી યુવતીએ યુવક સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. યુવકને શંકા જતા પૈસા પરત માંગ્યા હતા પરંતુ, યુવતીએ અલગ અલગ બહાના બતાવી રૂપિયા પરત કર્યા નહોતા. આથી આખરે કંટાળીને યુવકે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીએ યુવકના રૂપિયાથી એક શ્વાનની ખરીદ કરી હતી. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.