જો તમને પણ ઈન્સ્ટન્ટ લોન આપતી એપ્સથી સમસ્યા છે, તો તમારા માટે મોટા સમાચાર છે. ભારતમાં તમામ પ્રકારની ઇન્સ્ટન્ટ લોન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ માટે સરકારે ગૂગલ અને એપલને ઓર્ડર આપ્યા છે. લોન એપ દ્વારા લોકો સાથે કરવામાં આવી રહેલી છેતરપિંડી અંગે સરકારે આ નિર્ણય લીધો છે.
કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે, “આજે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર ઘણી એપ્લિકેશન્સ છે જેનો ભારતીયો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. અમે એપ્લિકેશન્સના સમૂહને ટ્રેક કરી રહ્યા છીએ જે લોન એપ્લિકેશન છે.”
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે ગૂગલ અને એપલ બંનેને સલાહ આપી છે કે તેઓ સ્ટોર પર અસુરક્ષિત એપ્લિકેશન અથવા ગેરકાયદેસર એપ્લિકેશન્સની લિસ્ટ ન કરે. તમામ ‘ડિજિટલ નાગરિકો’ માટે ઈન્ટરનેટને સુરક્ષિત અને વિશ્વસનીય રાખવાનો અમારી સરકારનો હેતુ અને મિશન છે.’ રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ એપ્સને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે, શક્ય તેટલી વહેલી તકે આરબીઆઈ સાથે બેઠક યોજવામાં આવશે અને સૂચિ બનાવવામાં આવશે. તે લિસ્ટ આવ્યા પછી, ફક્ત તે એપ્લિકેશનો જે તે લિસ્ટમાં શામેલ છે તે જ તાત્કાલિક લોન આપી શકશે. આ માટે માપદંડ બનાવવામાં આવશે.