વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. આજે બુધવારે (27 સપ્ટેમ્બર), PM મોદીએ અમદાવાદમાં સાયન્સ સિટી, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 20 વર્ષ પૂરા કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેમણે 20 વર્ષ પહેલા એક બીજ વાવ્યું હતું, જે હવે એક વિશાળ વૃક્ષ બની ગયું છે.
તેમણે કહ્યું કે, 20 વર્ષ પહેલાં અમે એક નાનું બીજ વાવ્યું હતું, આજે તે એક વિશાળ વૃક્ષ બની ગયું છે. આજે વાઇબ્રન્ટ ગુજરાતને 20 વર્ષ પૂરા થયા છે, વાઇબ્રન્ટ ગુજરાત માત્ર બ્રાન્ડિંગ નથી. મારા માટે તે મજબૂત બંધનનું પ્રતીક છે. તે 7 કરોડ નાગરિકો સાથે જોડાયેલ છે.”
‘ગુજરાતનો વિકાસ કરવાનો પડકાર મોટો હતો’
આ દરમિયાન પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, “આજની પેઢીના યુવા મિત્રોને ખબર પણ નહીં હોય કે ગુજરાતમાં શું સ્થિતિ હતી. જ્યારે ભૂકંપ આવ્યો તેમાં હજારો લોકોના મોત થયા હતા. દુષ્કાળ અને ભૂકંપ ઉપરાંત એક બેંક પણ ડૂબી ગઈ. ગુજરાતમાં આર્થિક ઉથલપાથલ ચાલી રહી હતી. તે સમયે હું પહેલીવાર ધારાસભ્ય બન્યો હતો, મારા માટે બધું નવું હતું અને પડકાર મોટો હતો. દરમિયાન, ગોધરાની ઘટના બની પણ મને ગુજરાત અને તેની જનતામાં અતૂટ વિશ્વાસ હતો. જો કે, જેઓ એજન્ડા લઈને ચાલી રહ્યા હતા તેઓ ઘટનાનું વિશ્લેષણ કરવામાં વ્યસ્ત હતા. આટલી કટોકટીમાં પણ મેં ગુજરાતને તેમાંથી બહાર કાઢવાનું વચન આપ્યું હતું. આજે હું બીજી એક વાત યાદ અપાવવા માંગુ છું. આજે વિશ્વ વાઈબ્રન્ટ ગુજરાતની સફળતા જોઈ રહ્યું છે.”
ઉદ્યોગ જૂથો, વેપાર અને વાણિજ્ય ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા છે. પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોજાઇ હતી.
પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું, જેઓ અગાઉ કેન્દ્ર સરકાર ચલાવતા હતા તેઓ ગુજરાતના વિકાસને રાજકારણ સાથે જોડતા હતા. તત્કાલીન કેન્દ્ર સરકારના મંત્રીઓ વાઈબ્રન્ટ ગુજરાતમાં આવવાની ના પાડતા હતા. તેઓ વિદેશી રોકાણકારોને ધમકાવતા હતા અને તેઓ તેમને રોકવાનો પ્રયાસ કરતા હતા. આટલી બધી ધમકીઓ પછી પણ વિદેશી રોકાણકારો ગુજરાતમાં આવ્યા હતા.