અમદાવાદ ખાતે રહેતી 16 વર્ષીય સગીરાની મિત્રતા સોશિયલ મીડિયા થકી તેની જ શાળામાં વાન ડ્રાઇવર તરીકે કામ કરતા યુવક સાથે થઈ હતી. બંને એકબીજાને મળતા હતા. જો કે, સગીરા ઘરે કહ્યા વગર વારંવાર યુવક સાથે ફરવા જતી રહેતા પરિવારને માલૂમ પડતા પરિવાર સગીરા સાથે અમદાવાદ છોડીને વડોદરા રહેવા આવ્યો હતો. પરંતુ સગીરાનો પીછો કરી યુવક તેના એક મિત્ર સાથે વડોદરા સુધી પહોંચ્યો હતો અને સગીરાને શાળાએથી લઈ જઈ ડાકોર ફરવા જતો રહ્યો હતો. આ મામલે પરિવારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક અને તેના મિત્ર વિરુદ્ધ અપહરણની ફરિયાદ કરતા પોલીસે બંનેને ડાકોરથી દબોચી લીધા હતા.
મળતી માહિતી મુજબ, 16 વર્ષીય દીકરીના પુરુષ મિત્રથી કંટાળીને પરિવાર 7 મહિના પહેલા અમદાવાદ થોડીને વડોદરાના માણેજા ખાતે રહેવા આવ્યો હતો. જો કે, બુધવારે તેમની મોટી દીકરી અને નાનો દીકરો શાળાએ ગયા હતા. પરંતુ શાળામાંથી ફોન આવતા માતા-પિતાને જાણ થઈ કે સગીરા શાળાએ પહોંચી જ નથી. આથી માતા-પિતા તાત્કાલિક શાળાએ પહોંચ્યા તો નાનો દીકરો તો ત્યાં હાજર હતો. પરંતુ, દીકરી ગેરહાજર હતી.
ઇકો કારમાં સગીરાને ડાકોર લઈ ગયા હતા
થોડા સમય બાદ શાળા છૂટવાના સમયે સગીરા મુખ્ય ગેટ બહાર ઊભી જોવા મળી હતી. આથી માતા-પિતાએ તેની કડક પૂછપરછ કરતા તેણીએ હકીકત જણાવી હતી. તેણીએ કહ્યું કે તે અમદાવાદ ખાતે રહેતા મિત્ર કિરણ ઠાકુર સાથે ડાકોર ફરવા ગઈ હતી. આથી માતા-પિતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ડાકોરથી કિરણ ઠાકુર અને તેના મિત્ર સુનિલ રાવળને દબોચી લીધા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેઓ સગીરાને ઇકો કારમાં ડાકોર દર્શન કરવા લઈ ગયા હતા અને પછી ત્યાંથી વડોદરા મૂકી ગયા હતા. સગીરાએ કહ્યું કે, બંનેએ તેણીની સાથે કોઈ ખોટું કામ નથી કર્યું. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.