‘સ્વચ્છતા હી સેવા’ – અમદાવાદ જિલ્લો.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના સાંસદ આદર્શ ગામમાં ભીંતચિત્રોથી સ્વચ્છતાનો સંદેશ અપાયો. સાણંદ તાલુકાના માણકોલ અને મોડાસર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ભીંતચિત્રો તૈયાર કરાવાયા.
“સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સતત ૮ સપ્તાહ સુધી વિવિધ પ્રવૃતિઓ અને માધ્યમો થકી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવનાર છે. આ રાજ્યવ્યાપી ઝુંબેશમાં જનપ્રતિનિધિઓ પણ જરૂરી યોગદાન આપી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહના મતવિસ્તાર એવા સાણંદ તાલુકાના બે આદર્શ ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણની ગ્રાન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયતના સહયોગથી સુંદર ભીંતચિત્રો તૈયાર કરાવી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો છે.
સાણંદ તાલુકાના માણકોલ અને મોડાસરમાં ગ્રામજનોમાં માહિતી, શિક્ષણ અને સંવાદમાં વૃદ્ધિ લાવવાના હેતુથી અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત બન્ને ગામોમાં વિવિધ પોઇન્ટ્સ પસંદ કરી સ્વચ્છતાનો સંદેશ આપતા સુંદર ભીંતચિત્રો તૈયાર કરાવવામાં આવ્યા છે. જેમાં શાળા, આંગણવાડી, દવાખાનું, જાહેર માર્ગો વગેરે જગ્યાઓ પર સફાઈ થતી દર્શાવી “સ્વચ્છ ભારત, હરિયાળું ભારત”નો સંદેશ આપવામાં આવ્યો છે. આમ, આ ચિત્રોથી ગામમાં વસતા અબાલ-વૃદ્ધ સહુ કોઈને સ્વચ્છતા માટે પ્રેરણા મળે છે સાથોસાથ ગામની સુંદરતામાં પણ વધારો થયો છે.