વોર્નરે તોફાની સદી ફટકારી
બેંગ્લોરના ચિન્નાસ્વામી મેદાન પર પાકિસ્તાન સામે રમાઈ રહેલી મેચમાં ડેવિડ વોર્નર શરૂઆતથી જ લયમાં જોવા મળ્યો હતો. કાંગારૂ ઓપનરે મિચેલ માર્શ સાથે મળીને ઓસ્ટ્રેલિયાને તોફાની શરૂઆત અપાવી હતી. વોર્નરે વિસ્ફોટક શૈલી સાથે બેટિંગ કરી અને માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પછી વોર્નરે પાકિસ્તાનના પેસ આક્રમણને પાયમાલ કરી અને મેદાનના ચારેય ખૂણામાં શોટ ફટકાર્યા. મોહમ્મદ નવાઝના બોલ પર એક રન લઈને વોર્નરે 85 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
ગિલક્રિસ્ટ અને હેડનને પાછળ મૂક્યા
ડેવિડ વોર્નરે 50 ઓવરના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાના મામલે એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડનને પાછળ છોડી દીધા છે. ગિલક્રિસ્ટે વર્લ્ડ કપમાં 1085 રન પોતાના નામે કર્યા હતા જેને વોર્નરે પાછળ છોડી દીધા છે. જ્યારે હેડને 987 રન બનાવ્યા છે. આ યાદીમાં હવે વોર્નરથી આગળ માત્ર રિકી પોન્ટિંગનું નામ છે, જેણે આ મેગા ઈવેન્ટમાં કુલ 1,743 રન બનાવ્યા છે.
પાકિસ્તાન સામે સતત ચોથી સદી
ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે વનડે ક્રિકેટમાં આ સતત ચોથી સદી ફટકારી છે. આ જ ટીમ સામે સતત સદી ફટકારવાના મામલે કાંગારૂ ઓપનરે વિરાટ કોહલીની બરાબરી પણ કરી લીધી છે. કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે સતત ચાર સદી ફટકારી છે. વર્લ્ડ કપમાં વોર્નરની આ પાંચમી સદી છે અને તેણે કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે.