ભારતીય ટીમના મુખ્ય કોચ અને પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડના મોટા પુત્ર સમિતની વિનુ માંકડ ટુર્નામેન્ટ માટે કર્ણાટકની અંડર-19 ટીમમાં પસંદગી કરવામાં આવી છે. અત્યાર સુધી સમિત કર્ણાટક તરફથી અંડર-14 ક્રિકેટ ટૂર્નામેન્ટ રમી રહ્યો હતો, પરંતુ હવે તેણે અંડર-19 ક્રિકેટમાં પણ પ્રવેશ કર્યો છે.
હૈદરાબાદમાં ODI ટુર્નામેન્ટ-
હૈદરાબાદમાં 12થી 20 ઓક્ટોબર દરમિયાન વિનુ માંકડ ODI ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. અગાઉ સમિતે અંડર-14 સ્તરે શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 2019-20 સિઝનમાં બે બેવડી સદી ફટકારી હતી. સમિત તેના પિતાની જેમ વધુ રક્ષણાત્મક બેટિંગ નથી કરતો. તે તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે.
સારી બોલિંગ પણ કરે છે સમિત
આ સિવાય સમિત સારી બોલિંગ પણ કરે છે. કર્ણાટકની ટીમ વિનુ માંકડ ટૂર્નામેન્ટમાં ધીરજ ગૌડાના નેતૃત્વમાં રમશે, જ્યારે ધ્રુવ પ્રભાકર ટીમનો વાઇસ કેપ્ટન હશે. સમિતની સાથે ટીમમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, જેઓ આ ટૂર્નામેન્ટમાં પોતાની છાપ છોડવા આતુર છે. રાહુલ દ્રવિડ સિનિયર લેવલ પર રમતા પહેલા અંડર-15, અંડર-17 અને અંડર-19માં સ્ટેટ લેવલ પર રમ્યા હતા. આ પછી, તેમને 1991/92 સીઝન દરમિયાન રણજી ટ્રોફીમાં રમવાની તક મળી હતી.