દક્ષિણ આફ્રિકાની જીતથી મોટો ફેરફાર
દક્ષિણ આફ્રિકાએ પણ બાંગ્લાદેશ સામે શાનદાર જીત નોંધાવીને વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર કર્યો છે. સાઉથ આફ્રિકાની ટીમ હવે સારા રન રેટના કારણે ટેબલમાં બીજા ક્રમે આવી ગઈ છે. બાંગ્લાદેશની કારમી હારને કારણે ન્યુઝીલેન્ડને નુકસાન થયું છે અને તે ત્રીજા સ્થાને સરકી ગયું છે. ભારતીય ટીમે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે.
પાંચ મેચમાં ચોથી હારનો સામનો કરી રહેલી બાંગ્લાદેશની ટીમ હવે ટેબલમાં સૌથી નીચેના સ્થાને પહોંચી ગઈ છે. જોકે, દક્ષિણ આફ્રિકાની જીતનો ફાયદો ઈંગ્લેન્ડને થયો છે અને તે હવે 9માં સ્થાને પહોંચી ગઈ છે. શ્રીલંકા આઠમા સ્થાને છે જ્યારે નેધરલેન્ડ સાતમા સ્થાને છે. પાકિસ્તાનને હરાવીને અફઘાનિસ્તાન છઠ્ઠા સ્થાને છે.
દક્ષિણ આફ્રિકાનો વિસ્ફોટક વિજય
બાંગ્લાદેશ સામે પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 382 રન બનાવ્યા હતા. ટીમ વતી ક્વિન્ટન ડી કોકે શાનદાર બેટિંગ કરી અને 140 બોલમાં 173 રનની તોફાની ઇનિંગ રમી. આ વર્લ્ડ કપમાં ડી કોકની આ ત્રીજી સદી છે. જ્યારે હેનરિક ક્લાસને 90 રનની ઝડપી ઇનિંગ રમી હતી.
383 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની આખી ટીમ 233 રન પર જ સિમિત થઈ ગઈ હતી. મહમુદુલ્લાહ સિવાય ટીમનો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. મહમુદુલ્લાએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી અને 111 રનની જોરદાર ઇનિંગ રમી. જોકે, તેને બીજા છેડેથી કોઈ બેટ્સમેનનો સાથ મળી શક્યો નહોતો.