મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે, મોદી સરકારે એક મોટું પગલું ભર્યું છે અને ગ્રાહકોને રૂ. 25 પ્રતિ કિલોના દરે ડુંગળીના બફર સ્ટોકનું વેચાણ વધારવાનો આદેશ આપ્યો છે. ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે આ સમયે છૂટક બજારમાં ડુંગળી રૂ. 30 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. હાલમાં છૂટક બજારમાં ડુંગળીનો ભાવ 40 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.
‘બફર સ્ટોક’નું વેચાણ
ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે મીડિયા એજન્સીને જણાવ્યું હતું કે, બજારમાં ડુંગળીના ભાવને નિયંત્રિત કરવા માટે, ડુંગળીનો બફર સ્ટોક ઓગસ્ટ, 2023થી જ બજારમાં બહાર પાડવામાં આવી રહ્યો છે. સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે બજારમાં ડુંગળીની પૂરતી ઉપલબ્ધતા રહે અને ભાવ નિયંત્રણમાં રહે. ઓગસ્ટ, 2023થી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 22 રાજ્યોમાં કુલ 1.70 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક વેચ્યો છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NAFED) અને નેશનલ કન્ઝ્યુમર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) દ્વારા ડુંગળીના બફર સ્ટોકનું વિતરણ કરવામાં આવે છે.
કેમ મોંઘી થઈ ડુંગળી?
નિષ્ણાતોના મતે ડુંગળીના ભાવ વધવા પાછળ ઘણા કારણો છે. ખરીફ પાકની વાવણીમાં વિલંબ એ તેનું મુખ્ય કારણ છે. પાકની વાવણીમાં વિલંબને કારણે પાકની ઉપજમાં વિલંબ થયો છે, જેની અસર જથ્થાબંધ અને છૂટક ડુંગળીના ભાવ પર જોવા મળી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં કેન્દ્ર સરકાર NAFED અને NCCFમાં કુલ 5 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક બજારમાં વેચવા જઈ રહી છે. આ સિવાય સરકાર વધારાની 2 લાખ ટન ડુંગળી વેચવાની યોજના બનાવી રહી છે.