ભારતીય અર્થતંત્ર ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેની ગૂંજ હવે દુનિયામાં પણ સાંભળવા મળી રહી છે. રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે પણ મજબૂત આર્થિક ગતિને ટાંકીને 2023 કેલેન્ડર વર્ષ માટે ભારતની વૃદ્ધિનું અનુમાન વધારીને 6.7 ટકા કરી દીધું. તેના ‘ગ્લોબલ મેક્રો આઉટલુક’માં, મૂડીઝે જણાવ્યું કે, “મજબૂત સેવાઓના વિસ્તરણ અને મૂડી ખર્ચે ભારતની બીજી (એપ્રિલ-જૂન) વાસ્તવિક જીડીપી વૃદ્ધિને એક વર્ષ પહેલાની સરખામણીએ 7.8 ટકા સુધી પહોંચાડી છે. તેથી, અમે ભારત માટે 2023 કેલેન્ડર વર્ષ વૃદ્ધિ અનુમાન 5.5 ટકાથી વધારીને 6.7 ટકા કરી દીધું છે.’ રેટિંગ એજન્સીએ જણાવ્યું કે સુધારેલ બીજા ક્વાર્ટરની કામગીરી 2023 માટે ઉચ્ચ આધાર પૂરો પાડે છે. અમે અમારી 2024ની વૃદ્ધિનું અનુમાન 6.5 ટકાથી ઘટાડીને 6.1 ટકા કરી દીધું છે.
વૃદ્ધિના દરની આગાહી આરબીઆઈ કરતા થોડી વધારે
મૂડીઝે જણાવ્યું કે બીજા-ક્વાર્ટરની કામગીરી 2023 માં ઉચ્ચ આધાર બનાવે છે, તેથી અમે અમારા 2024 વૃદ્ધિ અનુમાનને 6.5 ટકાથી ઘટાડીને 6.1 ટકા કર્યું છે. મજબૂત અંતર્ગત આર્થિક ગતિને જોતાં, અમે આગળ જતા ભારતના આર્થિક વિકાસ પ્રદર્શન માટેના જોખમોને પણ ઓળખીએ છીએ. 2023 માટે મૂડીઝનો 67 ટકા વૃદ્ધિનો અંદાજ 2023-24 માટે આરબીઆઈના 65 ટકાના અંદાજ કરતાં થોડો વધારે છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતે 7.8 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી, જે 2023-24ના એપ્રિલ-જૂન સમયગાળા માટે આરબીઆઈના 8 ટકાના અંદાજ કરતાં ઓછી હતી.
જૂન ક્વાર્ટરનો વિકાસ દર પ્રોત્સાહક
રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, કૃષિ અને સેવા ક્ષેત્રના સારા પ્રદર્શનને કારણે, દેશનો આર્થિક વિકાસ દર (જીડીપી) ચાલુ નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ-જૂન) 7.8 ટકા રહ્યો છે. છેલ્લા ચાર ક્વાર્ટરમાં આ સૌથી વધુ વૃદ્ધિ દર છે. ગયા નાણાકીય વર્ષ 2022-23ના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિ દર 13.1 ટકા હતો. 2022-23ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર 6.1 ટકા અને ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 4.5 ટકા હતો. ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના ડાયરેક્ટર જનરલ ચંદ્રજિત બેનર્જીએ જણાવ્યું કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત સ્થાનિક માંગ અને સેવા ક્ષેત્રની વૃદ્ધિને કારણે જીડીપી વૃદ્ધિને વેગ મળ્યો.