મહારાષ્ટ્રના બીજેપી નેતા નીતેશ રાણેએ પણ આ વીડિયો શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે હવે રાષ્ટ્રગીત વાગશે, થોડી જ વારમાં રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વાગવા લાગે છે, જેના કારણે રાહુલ ગાંધી પણ ગુસ્સામાં દેખાય છે
મહારાષ્ટ્રના બીજેપી નેતા નીતેશ રાણેએ પણ આ વીડિયો શેર કર્યો છે. જેમાં રાહુલ ગાંધીને એમ કહેતા સાંભળી શકાય છે કે હવે રાષ્ટ્રગીત વાગશે, થોડી જ વારમાં રાષ્ટ્રગીતને બદલે બીજું ગીત વાગવા લાગે છે, જેના કારણે રાહુલ ગાંધી પણ ગુસ્સામાં દેખાય છે. ભાજપના નેતાએ તેને કોમેડી સર્કસ ગણાવ્યું. તેમના સિવાય તમિલનાડુના બીજેપી નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ આ વીડિયો પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. જેમાં તેમણે રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું- આ શું છે?
શું છે સમગ્ર મામલો
હકીકતમાં, ભારત જોડો યાત્રાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો, બીજેપી નેતાઓએ તેને તમામ જગ્યાએ શેર કર્યો અને આ બહાને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. આ પછી આ વીડિયોને લઈને પણ સવાલો ઉઠવા લાગ્યા, જો કે બાદમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે હકીકતમાં થોડી સેકન્ડ માટે ભૂલથી બીજું ગીત વાગી ગયું હતું. રાહુલ ગાંધીએ તેમનું ભાષણ પૂરું કર્યા બાદ રાષ્ટ્રગીત વગાડવાનું હતું, જેની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ ભૂલના કારણે બીજું ગીત વાગી ગયું હતું. જોકે, થોડીક સેકન્ડ બાદ ભૂલ સુધારી લેવામાં આવી અને રાષ્ટ્રગીત શરૂ થયું. આ સમગ્ર મામલો મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાનો છે.
ભારત જોડો યાત્રાનો 71મો દિવસ
કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો 17મી નવેમ્બર ગુરૂવારે 71મો દિવસ પૂર્ણ થયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાંથી પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’ ફરી શરૂ કરી. કહેવામાં આવ્યું છે કે તેઓ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરશે. ‘ભારત જોડો યાત્રા’ 7 સપ્ટેમ્બરના રોજ તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. મહારાષ્ટ્રમાં આ યાત્રાનો 11મો દિવસ છે. ગુરુવારે સવારે 6 વાગ્યે મહારાષ્ટ્રના પોતુર શહેરમાંથી યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી. તે સાંજે બાલાપુર માટે રવાના થશે અને શુક્રવારે સવારે બુલઢાણા જિલ્લાના શેગાંવ પહોંચશે.