રાજકીય પક્ષો, ઉમેદવારો કે ચૂંટણી એજન્ટો દ્વારા મતદારોને મતદાન મથકે લાવવા-પરત મૂકી જવા વાહનોનાં ઉપયોગ પર પ્રતિબંધ
વિધાનસભા સામાન્ય ચૂંટણી- 2022 સંદર્ભે તા. 01 ડિસેમ્બર, 2022નાં રોજ મતદાન યોજાનાર છે. મતદાન ન્યાયી અને મુક્ત વાતાવરણમાં યોજાય તે અર્થે સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ કે.સી. સંપટ દ્વારા ઉમેદવારો/રાજકીય પક્ષો દ્વારા મતદાનનાં દિવસે મતદારોને મતદાન મથકે લાવવા-પરત લઈ જવા અર્થે વાહનોનાં વપરાશ પર નિયંત્રણો મૂકતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
મતદાનનાં દિવસે મતદારોને મતદાન મથકે લાવવા-પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારની ઉપર અનધિકૃત દબાણ, પ્રલોભન આપતા રોકવા મતદાનનાં દિવસે ઉમેદવારો તથા તેમનાં એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો પર આ જાહેરનામા દ્વારા પ્રતિબંધ / નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે.
આ જાહેરનામા અનુસાર ચૂંટણી લડતા ઉમેદવારોને તા. 01.12.2022નાં રોજ મતદાનનાં દિવસે વિધાનસભા મતક્ષેત્ર દીઠ એક વાહન પોતાનાં ઉપયોગ માટે, એક વાહન તેમનાં ચૂંટણી એજન્ટ માટે તેમજ વધારામાં એક વાહન તેમનાં કાર્યકર્તાઓ અથવા પક્ષનાં કાર્યકર્તાઓ માટે વાપરવાની છૂટ રહેશે. મળવાપાત્ર વાહનો અંગેની પરવાનગી જે-તે મતક્ષેત્રનાં ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી પાસેથી મેળવીને વાહન પર લગાડવાની રહેશે.
વાહનોમાં ફક્ત ચાર/ત્રણ/બે પૈડાવાળા વાહન જેવા કે કાર, ટેક્સી, ઓટોરીક્ષા, રીક્ષા અને દ્વિચક્રી વાહનોનો સમાવેશ થાય છે. આ વાહનોમાં ડ્રાઈવર સહિત પાંચ વ્યક્તિથી વધુ બેસી શકશે નહીં.
ઉમેદવાર અથવા એજન્ટ માટે ફાળવેલા વાહનનો ઉપયોગ બીજા કોઈ વ્યક્તિ દ્વારા થઈ શકશે નહીં. આ જાહેરનામા દ્વારા કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે તેનાં ચૂંટણી એજન્ટ કે કાર્યકર દ્વારા મતદારોને મતદાન મથકે નિઃશુલ્ક લઈ જવા તથા પરત લાવવા વાહન પૂરૂ પાડવાની સગવડ આપી મતદાર ઉપર અનધિકૃત દબાણ/પ્રલોભન ઉભુ કરવા સામે મનાઈ ફરમાવવામાં આવી છે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ધારાની કલમ- 188 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી સાથે સંબંધ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓનાં ખાનગી વાહનોનાં ખાનગી ઉપયોગ પર, ખાનગી વાહનોનાં માલિકો દ્વારા પોતાનાં કે પોતાના કુંટુંબનાં સભ્યો દ્વારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે જવા માટે, ફરજ પરની પોલિસ અને આવશ્યક સેવાઓ માટે ઉપયોગમાં લેવાતા વાહનો, જાહેર પરિવહનનાં વાહનો, અનિવાર્ય હોય તેવી મુસાફરીઓ માટે વપરાતા વાહનો, બિમાર અને અપંગ વ્યક્તિઓ દ્વારા તેમનાં પોતાન ઉપયોગ માટે વાપરવામાં આવતા ખાનગી વાહનો સહિતનાં વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહીં.