વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવાના સમારોહમાં ભાગ લેશે
આંદામાન-નિકોબાર ટાપુઓના ઐતિહાસિક મહત્ત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજીની સ્મૃતિને માન આપવા માટે, 2018માં ટાપુની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી દ્વારા રોઝ આઇલેન્ડનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આઇલેન્ડ કરી દેવામાં આવ્યું હતું. નીલ દ્વીપ અને હેવલોક દ્વીપનું નામ અનુક્રમે શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ કરી દેવામાં આવ્યું હતું.
આ સૈનિકોના નામથી ઓળખાશે ટાપુઓ
નિવેદન મુજબ, એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે અનામી ટાપુઓના નામ મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન કરમ સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ, કેપ્ટન જીએસ સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ ધન સિંહ થાપા, સુબેદાર જોગીન્દર સિંઘ, મેજર શૈતાન સિંઘ, કંપની ક્વાર્ટરમાસ્ટર હવાલદાર અબ્દુલ હમીદ અને લેફ્ટનન્ટ કર્નલ અરદેશિર બુર્જોરજી તારાપોરના નામ પર રાખવામાં આવશે.
અન્ય પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓમાં, જેમના નામ પર ટાપુઓના નામ રાખવામાં આવશે, લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંઘ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન, મેજર રામાસ્વામી પરમેશ્વરન, નાયબ સુબેદાર બાના સિંહ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર, સુબેદાર મેજર સંજય કુમાર અને સુબેદાર મેજર (નિવૃત્ત) ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવના નામ સામેલ છે.
વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે દેશના વાસ્તવિક જીવનના નાયકોને યોગ્ય સન્માન આપવું એ હંમેશા વડા પ્રધાનની ટોચની પ્રાથમિકતા રહી છે. પીએમઓએ જણાવ્યું હતું કે આ ભાવનાથી આગળ વધતા દ્વીપસમૂહના 21 સૌથી મોટા અનામી ટાપુઓના નામ 21 પરમવીર ચક્ર વિજેતાઓના નામ પર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌથી મોટા અનામી ટાપુનું નામ પ્રથમ પરમ વીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે, બીજા સૌથી મોટા અનામી ટાપુનું નામ બીજા પરમ વીર ચક્ર વિજેતાના નામ પર રાખવામાં આવશે, અને આ રીતે આ ક્રમ આગળ ચાલશે. વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે આ પહેલ રાષ્ટ્રના નાયકોને શાશ્વત શ્રદ્ધાંજલિ હશે, જેમાંથી ઘણાએ દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું.