ઈટાલિયન સિસ્મોલોજિસ્ટ ડૉ. કાર્લો ડોગલિયોનીનું કહેવું છે કે અરેબિયન પ્લેટ ઉત્તર-પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગભગ ત્રણ મીટર સુધી ખસી ગઈ. ભૂકંપ બાદ તુર્કી સીરિયા કરતા પાંચથી છ મીટર સુધી ખસી શકે છે
અરેબિયન ટેક્ટોનિક પ્લેટ સરકવાને કારણે ભૂકંપ આવ્યો
ભૂકંપનો અભ્યાસ કરતા નિષ્ણાતોએ જણાવ્યું કે આ વિનાશક ભૂકંપ અરેબિયન ટેકટોનિક પ્લેટ ઉત્તર તરફ સરકવાને કારણે આવ્યો છે. તુર્કી ધરતીકંપ માટે સંવેદનશીલ છે કારણ કે તે મુખ્ય ફોલ્ટલાઇન પર આવેલું છે જે એનાટોલીયન પ્લેટ, અરેબિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટને જોડે છે. નિષ્ણાતોના મતે એનાટોલિયન પ્લેટ અને અરેબિયન પ્લેટ વચ્ચે લગભગ 225 કિમીના ફોલ્ટને નુકસાન થયું છે. ઈટાલિયન સિસ્મોલોજિસ્ટ ડૉ. કાર્લો ડોગલિયોનીનું કહેવું છે કે અરેબિયન પ્લેટ ઉત્તર-પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગભગ ત્રણ મીટર સુધી ખસી ગઈ. ભૂકંપ બાદ તુર્કી સીરિયા કરતા પાંચથી છ મીટર સુધી ખસી શકે છે. જોકે તેમણે કહ્યું કે પ્રાથમિક માહિતીના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે, આગામી દિવસોમાં વધુ માહિતી ઉપલબ્ધ થશે.
મૃત્યુઆંક વધવાની આશંકા
બીજી તરફ વિનાશક ભૂકંપ અને તેના આફ્ટરશોક્સને કારણે ધરાશાયી થયેલી ઈમારતોમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવાને કારણે મૃતકોની સંખ્યા વધીને 8 હજારને પાર થઈ ગઈ છે. ભૂકંપના કારણે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. બચાવકર્મીઓ હજારો ઈમારતોના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે. વિશ્વભરના દેશોએ બચાવ અને રાહત કામગીરીમાં મદદ માટે ટીમો મોકલી છે. તુર્કીની આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે 24,400 થી વધુ ઇમરજન્સી કર્મીઓ ઘટના સ્થળે છે. સોમવારના મોટા ભૂકંપથી મોટા વિસ્તારોને અસર થઈ છે અને એકલા તુર્કીમાં લગભગ 6,000 ઇમારતો ધરાશાયી થયાની પુષ્ટિ થઈ છે, જેને કારણે તેમના પ્રયત્નો ઓછા સાબિત થઈ રહ્યા છે.
8,000 થી વધુ લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા
તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ કહ્યું કે એકલા તુર્કીમાં જ 8,000 થી વધુ લોકોને ઇમારતોના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને લગભગ 380,000 લોકોએ સરકારી આશ્રયસ્થાનો અથવા હોટલોમાં આશરો લીધો છે. ઝીરોથી નીચું તાપમાન અને લગભગ 200 આફ્ટરશોક્સ બચી ગયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસોમાં અવરોધ બની રહ્યા છે, જેના કારણે અસ્થિર માળખામાં લોકોને શોધવાનું અત્યંત જોખમી બની ગયું છે.
ઘણી જગ્યાએ રેસ્ક્યુ ટીમ પહોંચવાની રાહ જોવાઈ રહી છે
અધિકારીઓએ જણાવ્યું કે ભૂકંપના કેન્દ્રના દક્ષિણપૂર્વમાં આવેલા હટાયમાં લગભગ 1,500 ઇમારતો ધરાશાયી થઈ ગઈ અને ઘણા લોકોએ તેમના પરિવારો કાટમાળ નીચે ફસાયા હોવાની ફરિયાદ કરી જેમાં કોઈ બચાવ ટીમો કે મદદ પહોંચી ન હતી. તુર્કીના દક્ષિણપૂર્વીય પ્રાંત કહનેમરસમાં કેન્દ્રીત ભૂકંપે દમાસ્કસ અને બેરૂતના રહેવાસીઓને રસ્તા પર ઉતરવા મજબૂર કરી દીધા. સીરિયામાં ડોકટર્સ વિધાઉટ બોર્ડર્સ મિશનના વડા, સેબેસ્ટિયન ગેએ જણાવ્યું કે ઉત્તરી સીરિયામાં તબીબી કાર્યકરો મોટી સંખ્યામાં આવેલા ઘાયલોની સારવાર માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે. તુર્કીના હેટે પ્રાંતમાં હજારો લોકોએ રમતગમત કેન્દ્રો અથવા મેળા હોલમાં આશ્રય લીધો, જ્યારે અન્ય લોકોએ બહાર રાત વિતાવી હતી અને બોનફાયરનો આશરો લીધો.
ઈસ્કેન્ડરન બંદરના એક વિસ્તારમાંથી ગાઢ કાળો ધુમાડો નીકળ્યો જ્યાં અગ્નિશામકો હજુ સુધી આગને ઓલવી શક્યા નથી. ભૂકંપના કારણે પલટી ગયેલા શિપિંગ કન્ટેનરમાં આગ ફાટી નીકળી હતી. અધિકારીઓને ડર છે કે સોમવારે વહેલી સવારે આવેલા ભૂકંપ અને આફ્ટરશોક્સથી મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે બચાવકર્મીઓ હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાનું કામ કરી રહ્યા છે. ઓછા તાપમાન અને ભૂકંપ બાદ આફ્ટરશોક્સને કારણે બચાવકર્મીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.