પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ મથક નજીક સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ટ્રકમાંથી 7800 બોટલ દારૂ કબ્જે કરી ટ્રક ચાલક સહીત 2 શખ્સોની અટકાયત કરી હતી, જેમાં આ બન્ને આરોપીઓના 10 દિવસના રિમાન્ડ ચાલુ છે ત્યારે ગુન્હાના મૂળ સુધી પહોંચવા એસઓજી પોલીસ દિલ્હી અને રાજસ્થાન જવા રવાના થઈ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઉદ્યોગનગર પોલીસ મથકથી અડધો કિલોમીટર દુર આવેલ આઇસ ફેકટરીની સામેના મુખ્ય રસ્તા ઉપરથી 7800 બોટલ વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે ટ્રકમાં રહેલા રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બોરાજ ગામના હિંમતસીંગ અમરસિંગ રાજપૂત તથા ભંવરલાલ મીણા નામના શખ્સની ધરપકડ કરી કુલ રૂા.34,82,100 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે એસઓજીના પીઆઈ એચ.બી. ધાંધલ્યાને તપાસ સોપવામાં આવી છે જેમાં તેઆેએ 14 દિવસના રિમાન્ડ સાથે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
પ્રાથમિક તપાસમાં બન્નેએ એવું જણાવ્યું હતું કે હિંમતસિંગને દારૂની ટ્રીપના રૂ. 10 હજાર જયારે ભંવરલાલને રૂ. 4 હજાર મળવાના હતા તથા દારુ રાજસ્થાનના જાબીદ ભાટી ઉર્ફે રાહુલ પાટીલ નામના શખ્શે ચંડીગઢથી ટ્રકમાં લોડ કરાવી અને પોરબંદર ખાતે મોકલવા રવાના કર્યો હતો.
તે લોકેશન આપે ત્યાં ટ્રક રાખી ફોનમાં જણાવે ત્યાં ડીલેવરી લેનારનું નામ સરનામું જણાવશે તેવું કહ્યું હતું. આ ગુન્હા અંગે મૂળ સુધી પહોંચવા એસઓજી ટીમે કમર કસી છે અને આ ગુન્હાનું પગેરું અન્ય રાજ્યમાં હોય જેથી એસઓજી પીઆઈ ધાંધલિયા સહિતની ટીમ દિલ્હી, રાજસ્થાન જવા રવાના થઈ છે.