પેપર લીક મામલે વિધાનસભામાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યની સરકાર ઉપર કર્યા આકરા પ્રહાર
સરકાર ફુટેલી છે એટલે પેપર ફુટે છે, વર્ષ ૨૦૧૪ પછી સત્તાવાર રીતે ૧૩ પરીક્ષાઓ પેપર ફુટવાના કારણે રદ્દ કરવી પડી – અર્જુનભાઈ મોઢવાડિયા
“ગુજરાત જાહેર પરીક્ષા” વિધયક ભુલ ભરેલ છે, શાળા-કોલેજના વિદ્યાર્થીઓને નહીં, પેપર ફોડનારાઓને સજા થવી જોઈએ – અર્જુનભાઈ મોઢવાડિયા
આશા રાખુ છું કે આ સુધારા સાથે આ બિલ પાસ થાય અને ભર્તી બોર્ડમાં પ્રામાણિક અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવે – અર્જુનભાઈ મોઢવાડિયા
આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે સત્રના પ્રથમ દિવસે “ગુજરાત જાહેર પરીક્ષા વિધયક ઉપર ચર્ચા દરમિયાન પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પેપર લીકને લઈને રાજ્યની ભાજપ સરકારની નિયત ઉપર સવાલ ઉઠાવ્યા હતા. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભરતી પરીક્ષાઓના પેપર નહીં, પરંતુ યુવાનોના ભવિષ્ય ફૂટી રહ્યા છે, આ સરકારે અમૃતકાળના નામે યુવાનો માટે વિષકાળ બનાવી દીધો છે. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમા જણાવ્યું હતું કે સરકાર ફુટેલી છે એટલે જ પેપરો ફુટે છે. વર્ષ ૨૦૧૪ પછી સત્તાવાર રીતે ૧૩ પરીક્ષાઓ પેપર ફુટવાના કારણે રદ્દ કરવી પડી અને બીજી ૧૦ જેટલી પરીક્ષાઓ લેવાઈ જ નહી. ફુટેલી સરકારના લીધે લાખો યુવાનોને અન્યાય થાય છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારે જે બિલ રજુ કર્યુ છે તે ભુલ ભરેલ છે, સજા પેપર ફોડનારાઓને થવી જોઈએ નહીં કે શાળા-કોલેજના વિદ્યાર્થીઓને. એટલે સરકાર પ્રતિષ્ઠાનો સવાલ બનાવ્યા વિના આ બિલમાંથી શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને બાદ રાખવા જોઈએ. શાળાઓમાં પરીક્ષાની ચોરી શિક્ષકો અટકાવી શકે પોલીસ નહીં. શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સવાલ કર્યો હતો કે આવી જોગવાઈ થકી સરકાર શું ધોરણ ૧૦ અને ૧૨ વિદ્યાર્થીઓને જેલમાં મોકલીને તેમના ભવિષ્યને ખરાબ કરવા માંગે છે? સરકાર શું શાળાઓ-કોલેજોને પોલીસ હવાલે કરવા માંગે છે? પોતાના વિદ્યાર્થીકાળના અનુભવો યાદ કરી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે કોલેજ કાળ દરમિયાન એક વિરોધ પ્રદર્શન કેસમાં કોલેજના પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓનું હિત જળવાય તે માટે મારા કે અન્ય કોઈ વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ થવા દીધી ન હતી, દિનેશ દાસા જેવા લોકો આજે પણ છે જેમણે એક પણ ભુલ વગર કામ કર્યુ, આજે પણ હસમુખ પટેલ અને નિર્લિપ્ત રાય જેવા અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે, તેમના જેવા ઈમાનદાર અધિકારી હશે તો લોકોનો વિશ્વાસ બની રહેશે. પરંતુ સરકાર તો ભષ્ટ લોકોને યુનિવર્સિટી ના કુલપતિ અને ભર્તી બોર્ડ ના ચેરમેન બનાવે છે. પહેલા આવા કાયદા નહોતા પણ પ્રામાણિક અધિકારીઓના કારણે જાહેર પરીક્ષાઓ પર લોકોને ભરોસો હતો, પરંતુ આવા ઈમાનદાર અધિકારીઓ ભાજપ સરકારને પસંદ નથી. ભાજપ સરકારને જમીનોના કૌભાંડ કરનારા અધિકારી ગમે છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યુ હતું કે મેં આ બિલમાં સુધારો રજુ કર્યો છે અને આશા રાખુ છું કે આ સુધારા સાથે આ બિલ પાસ થાય અને ભર્તી બોર્ડમાં પ્રામાણિક અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવે અને દરેક પરીક્ષાની પારદર્શી ભર્તી થાય.