શુકલતીર્થ ઉત્સવની ચાલતી તડામાર તૈયારીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખરી ઓપ અપાયો..
દેવદિવાળીના દિવસે ખળખળ વહેતી માં રેવાના નીરમાં દેવતાઓ સ્નાન કરી પાણીને ગંગાજળ જેટલું પવિત્ર કરી દેતા હોવાની લોકવાયકા..
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના સંયુક્ત ઉપક્રમે વર્ષ ૨૦૧૪-૧૫થી “શુકલતીર્થ ઉત્સવ”નું આયોજન કરવામાં આવે છે. ત્યારે આવનારી આગામી ૨૫ અને ૨૬મી ફેબ્રુઆરીએ મા નર્મદાના કિનારે તિર્થોત્સવનું અનોખું આયોજન કરવામાં આવ્યું છે.
તિર્થોત્સવ ઊજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અધિકારી સુશ્રી મિતાબેન ગવલીએ ભરૂચ જિલ્લાની વહીવટી તંત્ર તરફથી પ્રજાને અપીલ કરતા જણાવ્યું હતું કે, આ પ્રસંગે ભરૂચ વહિવટી તંત્ર દ્વારા શુકલતીર્થોત્સવની તડામાર તૈયારીઓ હાલ પ્રગતિ હેઠળ છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, વગેરેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને વધુમાં ઉમેર્યું હતું કે, આગામી ૨૫ અને ૨૬ મી ફેબ્રુઆરીએ ભરૂચના શુક્લતીર્થ ખાતે “શુકલતીર્થ ઉત્સવ નિમિત્તે ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગીતાબેન રબારી અને કમલેશ બારોટ માં નર્મદાના પાવન કીનારે પધારી સુરીલા કંઠે નગરજનોને આહલાદક અનુભવ કરાવનાર છે. આ પવિત્ર સ્થળે ઉજવાતા “શુકલતીર્થ ઉત્સવ”માં ભાગ લેવા અનુરોધ કરી ભાવભીનું નિમંત્રણ પાઠવ્યું હતું.
શુકલતીર્થ ઉત્સવનો મહિમા…
ભરૂચના શુકલતીર્થ ખાતે ઓમનાથ વિષ્ણુ ભગવાનનું સુપ્રસિધ્ધ મંદિર પણ આવેલું છે. અહીં બિરાજમાન ભગવાન વિષ્ણુની આ પ્રતિમા શ્વેત રંગની છે. પરંતુ અહી આ પ્રતિમા રેતીમાંથી બનેલ છે તથા સ્વયંભૂ હોવાથી તેનું માહાત્મ્ય વધુ બેવડાય છે. ભગવાનના ત્રણ અવસ્થાના દર્શન થાય છે. આ ભગવાન વિષ્ણુની પ્રતિમાના દિવસ દરમ્યાન અલગ -અલગ ત્રણ સ્વરૂપોમાં દર્શન થાય છે. જેમાં સવારે બાલ્યવસ્થા,બપોરે યુવાવસ્થા તથા સાંજે વૃદ્ધાવસ્થાના સ્વરૂપના દર્શન થાય છે. જેનું માહાત્મય અનેરું છે.
તે સાથે એવી પણ માન્યતા છે કે…
દેવદિવાળીના દિવસે ખળખળ વહેતા માં રેવાના નીરમાં દેવતાઓ સ્નાન કરી પાણીને ગંગાજળ જેટલું પવિત્ર કરી દેતા હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે. વહેલી સવારે નર્મદા નદીમાં સ્નાન કરી હજારો શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે અને તેઓના પાપકર્મ દૂર થાય તેવી પ્રાર્થના કરે છે. આમ આવા પાવન સ્થળે “શુકલતીર્થ ઉત્સવ”નું આયોજન અનેરું થઈ પડશે.
આ શુકલતીર્થની પાવન ભૂમિને દેશ અને વિદેશમાં બહોળી પ્રસિધ્ધિ મળે તેના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા પ્રતિ વર્ષ અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.