ચૂંટણી ફરજમાં રોકાયેલ કર્મચારીઓ આજથી પોસ્ટલ બેલેટ વડે મતદાન કરશે. રાજકોટ પૂર્વ, જસદણ, ગોંડલ, જેતપુરમાં બુધ-ગુરુ તથા રાજકોટ પશ્ચિમ, દક્ષિણ, ગ્રામ્ય અને જેતપુરમાં ગુરૂ-શુક્ર બે દિવસ તાલીમની સાથે મતદાન પ્રક્રિયા યોજાશે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાનને લઈને વ્યવસ્થાને તમામ કામગીરીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી સ્ટાફનું સેક્ધડ રેન્ડમાઇઝેશન થઈ જતા હવે ચૂંટણી સ્ટાફને વિધાનસભા બેઠકને હવાલે કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી સ્ટાફ મતદાન કરી પોતાની મતાધિકારની ફરજ પણ બજાવી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા દર વખતની જેમ આ વખતે પણ પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્રના આદેશથી વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી દ્વારા બે દિવસનો તાલીમ અને પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તેમાં 65 પૂર્વ રાજકોટ બેઠક માટે સરકારી પોલીટેકનીકલ કોલેજ ભાવનગર રોડ ખાતે તારીખ 23 અને 24, રાજકોટ પશ્ચિમ 69 બેઠક માટે વિરાણી હાઇસ્કુલ ખાતે તારીખ 24 અને 25, રાજકોટ દક્ષિણ 70 બેઠક માટે પીડી માલવીયા કોલેજ ખાતે તારીખ 24 અને 25, રાજકોટ ગ્રામ્ય 71 બેઠક માટે આત્મીય કોલેજ ઓડિટોરિયમ ખાતે તારીખ 24 અને 25, જસદણ 72 વિધાનસભા બેઠક માટે કમળાપુર રોડ ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં તારીખ 23 અને 24, ગોંડલ 73 વિધાનસભા બેઠક માટે ટાઉનહોલ ખાતે તારીખ 23 અને 24, જેતપુર 74 બેઠક માટે સેન્ટ ફ્રાંસીસ સ્કૂલ ખાતે તારીખ 24 અને 25, ધોરાજી 75 બેઠક માટે ક્ધયા છાત્રાલય ખાતે તારીખ 23 અને 24 એમ બે દિવસ તાલીમ અને પોસ્ટલ બેલેટથી મતદાનનો કાર્યક્રમ યોજાવાનો છે ઉલ્લેખનીય છે કે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અગાઉ કર્મચારીઓના સેક્ધડ રેન્ડમાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં અગાઉ માત્ર તાલીમ માટે જે વિધાનસભા બેઠક કર્મચારીઓને ફાળવવામાં આવી હતી. તેમાંથી કર્મચારીઓને અંતિમ વિધાનસભા બેઠકમાં તબદીલ કરવામાં આવ્યા હતા. હવે અંદાજે 9000 જેટલા કર્મચારીઓ માટે ચૂંટણી તંત્ર દ્વારા તાલીમની સાથોસાથ પોસ્ટલ બેલેટ વડે મતદાન કરવાની પ્રક્રિયા પણ યોજવામાં આવનાર છે.