રાજકોટમાં ઉપમેયર પદને લઈને કંચનબેન સિદ્ધપુરાની વરણી કરવામાં આવી છે. રાજકોટ ઉપ મેયરની રેસમાં કેટલાક નામો સામેલ હતા. જેમાં કંચનબેન નવા ઉપ મેયર બન્યા છે. 6 મહિના સુધી તેઓ મેયર પદ પર રહેશે. કેમ કે, 6 મહિનાનો કાર્યકાળ જ છે.
અગાઉ દર્શિતા શાહ ઉપમેયર હતા ત્યારે તેઓ ધારાસભ્ય બન્યા બાદ આ પદ ખાલી રહેતા આજે નવા ઉપમેયર રાજકોટને મળ્યા છે. કંચનબેન શહેર ભાજપના ઉપપ્રમુખ અને કોર્પોરેટર છે. ભાજપમાં એક હોદ્દાનો નિયમ છે ત્યારે ડો.દર્શિતાબેન શાહ ધારાસભ્ય બન્યા બાદ તેમણે ડેપ્યુટી મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું.
કંચનબેન વોર્ડ નંબર 16ના કાઉન્સિલર છે. તેમણે પાર્ટીમાં વિવિધ કાર્યો અને હોદ્દા સંભાળ્યા છે. આ પહેલા તેઓ શહેર ભાજપના મહામંત્રી પણ બની ચૂક્યા છે. આ પ્રસંગે કંચનબેન સિદ્ધપુરાએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાવા બદલ હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. કંચનબેન સિદ્ધપરાએ જણાવ્યું હતું કે મારી પાસે છ માસ જેટલો સમય છે. હું મારાથી શ્રેષ્ઠ પ્રયાસ રાજકોટના કામોને આગળ વધારવા માટે કરીશ.
ઉપ મેયર તરીકેની પ્રથમ કામગિરીને લઈને તેમણે કહ્યું હતું કે, રાજકોટમાંણ ઉનાળામાં પાણીની સમસ્યા ના રહે તે હેતુથી અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મળીને તેનો ઉકેલ લાવવા પ્રયાસ કરીશ. ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજકોટમાં મહિલાઓ દ્વારા હોબાળો કોર્પોરેશનની બહાર પાણીને લઈને કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે કામગિરી પર ભાર આપવાને લઈને તેમણે બાંહેધરી આપી છે.