તમને જણાવી દઈએ કે છેલ્લા 9 વર્ષો દરમિયાન વડાપ્રધાને વારાણસીના લેન્ડસ્કેપને બદલવા અને આ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન સરળ બનાવવા પર વિશેષ ધ્યાન આપ્યું છે
PM નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત કરતી વખતે કહ્યું, “દર મહિને 50 લાખથી વધુ લોકો બનારસ આવી રહ્યા છે. બનારસ આવતા લોકો પોતાની સાથે બનારસના દરેક પરિવાર માટે આવકનું સાધન લાવે છે. અહીં આવતા પ્રવાસીઓ રોજગારી અને સ્વરોજગારના માધ્યમો ઉભી કરી રહ્યા છે. આજે બનારસની એર કનેકટીવીટીને મજબૂત કરવાની દિશામાં પણ મોટું કામ કરવામાં આવ્યું છે. બાબતપુર એરપોર્ટ પર નવા ATC ટાવરનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “બનારસના સર્વાંગી વિકાસ સાથે સંબંધિત સેંકડો કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. નવરાત્રી એ શુભ મુહૂર્ત છે, આજે મા ચંદ્રઘંટાની પૂજાનો દિવસ છે. આ મારું સૌભાગ્ય છે કે આ શુભ અવસર પર આજે હું કાશીની ધરતી પર તમારા બધાની વચ્ચે છું. મા ચંદ્રઘંટાના આશીર્વાદથી, આજે બનારસની સુખ-સમૃદ્ધિમાં વધુ એક અધ્યાય ઉમેરાઈ રહ્યો છે, આજે અહીં જાહેર પરિવહન રોપ-વેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “આજે કાશીમાં પ્રાચીન અને નવા બંને સ્વરૂપો એક સાથે જોવા મળી રહ્યા છે. હું ભારત અને વિદેશમાં જે લોકોને મળું છું તેઓ મને કહે છે કે તેઓ વિશ્વનાથ ધામના પુનઃનિર્માણથી કેવી રીતે મંત્રમુગ્ધ છે. રોડ હોય, પુલ હોય, રેલ હોય, એરપોર્ટ હોય, કનેક્ટિવિટીના નવા માધ્યમોએ કાશીની મુસાફરી ખૂબ જ સરળ બનાવી દીધી છે. પણ હવે આપણે એક ડગલું આગળ વધવું પડશે. હવે અહીં બનાવવામાં આવનાર રોપ-વેથી કાશીની સુવિધા અને આકર્ષણ બંનેમાં વધારો થશે.”
વડાપ્રધાને કહ્યું, “દેશ અને દુનિયામાં કાશીના વિકાસની ચર્ચા થઈ રહી છે. જે પણ અહીંથી જઈ રહ્યા છે તે નવી ઉર્જા સાથે જઈ રહ્યા છે. 8-9 વર્ષ પહેલાં જ્યારે કાશીના લોકોએ તેમના શહેરને કાયાકલ્પ કરવાનો સંકલ્પ લીધો હતો, ત્યારે એવા ઘણા લોકોને આશંકા હતી કે બનારસમાં કોઈ પરિવર્તન નહીં આવે, કાશીના લોકો સફળ નહીં થાય.”
લોકોને સંબોધિત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યથે કહ્યું, ‘PM મોદી જ્યારે આવે છે, ત્યારે નવી ભેટ લઈને આવે છે. 9 વર્ષમાં 33 હજાર કરોડ રૂપિયાની યોજનાઓ કાં તો પૂરી થઈ ગઈ છે અથવા તો થવા જઈ રહી છે.’
ત્યારે કોંગ્રેસ પર નિશાન સાધતા યોગીએ કહ્યું કે, ગરીબનો પુત્ર દેશના સર્વોચ્ચ પદ પર જાય તે તેમને પસંદ નથી, તે સહન નથી કરતા. દેશની જનતા તેમની પાસેથી ચોક્કસ બદલો લેશે. તેમણે દેશની જનતાની માફી માંગવી જોઈએ.
યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, ‘EVMએ તેમની સરકાર બનાવી અને હવે તેઓ તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેમણે ભ્રષ્ટાચારનો નવો ઈતિહાસ રચ્યો છે. ગઈકાલનું દ્રશ્ય આખી દુનિયાએ જોયું. જ્યારે કોર્ટે રાહુલને માફી માંગવા કહ્યું તો રાહુલે માફી માંગવાની ના પાડી દીધી. પછાત જાતિ પર હુમલો કર્યો.’