સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તી બાદ કોલકાતા નાઈટ રાઈડર્સને વધુ એક મિસ્ટ્રી સ્પિનર મળ્યો છે. આ મિસ્ટ્રી સ્પિનરનું નામ છે સુયેશ શર્મા. આ 19 વર્ષીય બોલરે તેની પહેલી જ IPL મેચમાં કેટલાક એવા રહસ્યમય બોલ ફેંક્યા કે RCBના બેટ્સમેન દંગ રહી ગયા. પોતાની ડેબ્યુ મેચમાં સુયશે ત્રણ વિકેટ ઝડપી હતી.
IPLમાં ગુરુવારે 6 એપ્રિલે KKR અને RCB સામસામે હતા. ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરતા 204 રન બનાવ્યા હતા. આ પછી સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણની ત્રિપુટીએ RCBને માત્ર 123 રન પર ઓલ આઉટ કર્યું હતું. KKRનો અહીં 81 રનથી વિજય થયો હતો. વરુણને ચાર, સુયશને ત્રણ અને સુનિલને બે વિકેટ મળી હતી. વરુણ અને સુનીલ વિશે તો બધા જાણે છે પણ સુયશની એન્ટ્રીએ બધાને ચોંકાવી દીધા.
સુયશને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો. તેણે ચાર ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. તેણે દિનેશ કાર્તિક, અનુજ રાવત અને કર્ણ શર્માને પેવેલિયન મોકલ્યા હતા. તેના ધમાકેદાર પ્રદર્શન બાદ તે ઘણી હેડલાઈન્સ મેળવી રહ્યો છે.
સુયશ શર્માએ દિલ્હીમાં જુનિયર સ્તરે ઘણું ક્રિકેટ રમ્યું છે. તેની ચોંકાવનારી સ્પિન બોલિંગના કારણે તે KKRની નજરમાં આવી ગયો. KKR ટેલેન્ટ સ્કાઉટે તેની પ્રતિભાને ઓળખી અને પછી તેને IPL ઓક્શનમાં 20 લાખની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો.
ટોચના સ્તરે કોઈ મેચ રમી નથી
અહીં ખાસ વાત એ છે કે સુયશે અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં ટોપ લેવલ પર કોઈ મેચ રમી નથી. એટલે કે, ન તો તે કોઈ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દેખાયો છે, ન તો તે લિસ્ટ-A અને T20 મેચ રમ્યો છે. KKR vs RCB મોટા પ્લેટફોર્મ પર તેની પ્રથમ મેચ હતી અને તેણે આ પ્રથમ મેચમાં જ ગભરાટ સર્જ્યો છે.