પાકિસ્તાનના એક હિંદુ સાંસદે તેના સાથી સાંસદો પર આરોપ લગાવ્યો છે કે તે તેમના પર ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનવા માટે દબાણ કરી રહ્યા છે. હિંદુ સાંસદનો આરોપ છે કે સંસદના મુસ્લિમ સાંસદો તેમને કહે છે કે ‘કલમા વાંચીને મુસ્લિમ બની જાઓ.’ દાનિશનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બલૂચિસ્તાનના નેતા પાકિસ્તાની હિંદુ સાંસદ દાનિશ કુમારે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન ગુસ્સામાં કહ્યું કે મારા પર મુસ્લિમ બનવાનું દબાણ છે. મને ઇસ્લામનો ઉપદેશ ન આપવો જોઈએ. તેમણે કહ્યું, ‘પહેલા અપરાધી મુસ્લિમોને ઈસ્લામ શીખવો, પછી મને મારો ધર્મ બદલવા માટે કહેજો.’
પાકિસ્તાનમાં વધતી મોંઘવારી પર પણ ગર્જ્યા હિંદુ સાંસદ
હિંદુ સાંસદ દાનિશ પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને ગરીબી પર ચિંતા વ્યક્ત કરતા પોતાનું નિવેદન આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે રમઝાનના પવિત્ર મહિનામાં પણ ખાદ્યપદાર્થોનો સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. દાનિશે એમ પણ કહ્યું કે ‘હું ઈચ્છું છું કે મને વચન આપવામાં આવે કે જ્યાં તે લોકોથી ઇસ્લામનું પાલન નહીં કરાવે ત્યાં સુધી મારા પર તબલીગ નહીં કરે.’
2018માં સાંસદ બન્યા હતા દાનિશ કુમાર
દાનિશ કુમાર 2018 માં બલૂચિસ્તાન અવામી પાર્ટી તરફથી લઘુમતીઓ માટે આરક્ષિત બેઠક પર સંસદના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેઓ બલૂચિસ્તાન વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારોને લઈને દાનિશે આ પહેલા પણ ઘણી વખત અવાજ ઉઠાવ્યો છે.
યુએનએ પણ હિંદુઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી
વાસ્તવમાં પાકિસ્તાનના હિંદુઓ પર હુમલાના અનેક મામલા સામે આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. યુએનએ અગાઉ જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાનમાં લઘુમતીઓ સામેના ગુનાઓ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. યુએનના 12 નિષ્ણાતોએ પાકિસ્તાનમાં અપહરણ, ધર્મ પરિવર્તન, નાની ઉંમરમાં છોકરીઓ સાથે લગ્ન કરવા જેવા મામલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાનના માનવાધિકાર આયોગ અનુસાર દર વર્ષે લગભગ 1,000 છોકરીઓનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવે છે. આમાંની મોટાભાગની છોકરીઓ સિંધ પ્રાંતના ગરીબ હિન્દુ સમુદાયમાંથી આવે છે.
બલૂચિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર વધ્યા
બલૂચિસ્તાનમાં રહેતા હિંદુઓ પરના અત્યાચારમાં હાલના સમયમાં વધારો થયો છે. દરરોજ હત્યાના સમાચાર સામે આવે છે. ત્યાં રહેતા હિંદુઓ પણ આ અંગે અવાજ ઉઠાવે છે, પરંતુ પાકિસ્તાન સરકાર પર તેની કોઈ અસર થતી નથી. તાજેતરમાં હોળીના અવસર પર પણ કેટલાક મૌલાનાઓએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું કે જો હિંદુઓએ હોળીની ઉજવણી કરવી હોય તો તે પાકિસ્તાનમાં નહીં પણ દિલ્હી, મુંબઈમાં ઉજવવી જોઈએ. પાકિસ્તાન સરકાર આવી બાબતો પર ઉદાસીન વલણ જાળવે છે.