ગોવામાં કસીનોમાં જુગાર રમવા માટે આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા માટે અવારનવાર માગ કરી જાહેરમાં કપડા ઉતારી દોડાવવાની ધમકી આપીને માનસિક અને શારિરીક ત્રાસ આપનારા બે શખ્સથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે બે લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, વસ્ત્રાલમાં રહેતી એક યુવતીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, છ માસ પહેલા તેના ભાઈને પુરવ પટેલ અને ધૃમિલ પટેલ નામના બે શખ્સ કસીનોમાં જુગાર રમાડવા માટે ગોવા લઈ ગયા હતા. જ્યાં તેનો ભાઈ 10 લાખ રૂપિયા જુગારમાં હાર્યો હતો. આ 10 લાખ રૂપિયા તેણે મિત્ર ધૃમિલ પાસેથી લીધા હતાં. આથી પુરવ પટેલ અને ધૃમિલ પટેલ અવારનવાર પૈસા આપવાનું કહેતા અને ઉઘરાણી કરતા હતા. દરમિયાન બંનેએ યુવતીના ભાઈ સાથે ઝઘડો કરી મારામારી પણ કરી હતી અને કહ્યું હતું કે, અમારા પૈસા આપી દે નહીં તો જાનથી મારી નાંખીશું. બાદમાં બંનેએ યુવકને કપડા ઉતારીને રોડ પર દોડાવશે. એવી ધમકી પણ આપી હતી.
યુવકે જાહેરમાં જંતુનાશક દવા પી જીવન ટુંકાવ્યું
વારંવાર થતી ઉઘરાણી અને માનસિક હેરાનગતિથી કંટાળીને આખરે યુવકે ગત 26મી ફેબ્રુઆરીએ બપોરે નરોડા રિંગરોડ શાયોના પેરેડાઇઝની સામે આવેલ હવેલી પાર્ટી પ્લોટની આગળ જાહેરમાં ઝેરી જંતુનાશક દવા પી લીધી હતી. જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે બે આરોપી શખ્સ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.