ભારતીય વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું બેટ છેલ્લા બે મહિનાથી સંપૂર્ણપણે શાંત છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સતત ફ્લોપ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ અને વનડે શ્રેણીમાં ખરાબ પ્રદર્શન બાદ IPL 2023માં પણ તે આ જ સ્થિતિમાં છે. IPLમાં મંગળવારે ,11 એપ્રિલ રાત્રે રમાયેલી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની મેચમાં તે ગોલ્ડન ડક બન્યો હતો. તે પહેલા જ બોલ પર આઉટ થયો હતો. મુકેશ કુમારે તેને પેવેલિયનમાં મોકલી દીધો. છેલ્લી સાત ઇનિંગ્સમાં આ ચોથી વખત હતું, જ્યારે તેણે પહેલા જ બોલ પર પોતાની વિકેટ આપી હતી.
સૂર્યાના આ ખરાબ ફોર્મની શરૂઆત આ વર્ષે ફેબ્રુઆરીમાં રમાયેલી નાગપુર ટેસ્ટથી થઈ હતી. તે પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. આ પછી, તેને આ ટેસ્ટ શ્રેણીમાં ફરીથી તક મળી નથી. તે ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરીઝનો ભાગ હતો પરંતુ અહીં તે ત્રણેય મેચમાં ગોલ્ડન ડક બની ગયો હતો. T20 ક્રિકેટનો નંબર-1 બેટ્સમેન આ રીતે પહેલા જ બોલ પર વિકેટ આપતો રહ્યો, તે દરેક માટે આશ્ચર્યજનક વાત હતી.
હવે આઈપીએલમાં પણ સૂર્યાનું બેટ ફ્લોપ થઈ રહ્યું છે. પ્રથમ મેચમાં તે આરસીબી સામે માત્ર 15 રન જ બનાવી શક્યો હતો. બીજી મેચમાં તે ચેન્નાઈ સામે એક રન બનાવીને આઉટ થયો હતો. હવે ત્રીજી મેચમાં જ્યારે તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો ત્યારે સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવવામાં આવી હતી. ક્રિકેટ ચાહકોએ તેના પર ઘણા મીમ્સ બનાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી. તેને સતત બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી મુંબઈએ દિલ્હીને હરાવીને પોતાની હારનો સિલસિલો તોડી નાખ્યો હતો. દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા 172 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ તરફથી ઈશાન કિશને 26 બોલમાં 31 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 29 બોલમાં 41 રન બનાવ્યા હતા. અંતે ટિમ ડેવિડ 13 રન અને કેમેરોન ગ્રીન 17 રન બનાવીને અણનમ રહ્યા હતા.