મહાઠગ કિરણ પટેલને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેતરપિંડીના આરોપમાં કિરણ પટેલને આજે ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને કિરણ પટેલના 18 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જણાવી દઈએ કે, ભેજાબાજ કિરણ પટેલ સામે વધુ એક છેતરપિંડની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મુજબ, કિરણ પટેલે એક ઇવેન્ટ કંપનીના વ્યક્તિ સાથે G20માં કામ અપાવવાનું કહીને અને અન્ય કોન્ટ્રાક્ટ અપાવવાનું કહીને ફાઈવસ્ટાર હોટેલમાં મિટિંગો કરી હતી. તેમ જ જમ્મુ કાશ્મીરની ફાઈવસ્ટાર હોટેલમાં પણ કિરણ પટેલ રોકાયો હતો, જેનું બિલ પણ ઇવેન્ટ કંપની પાસે ચૂકાવ્યું હોવાનું સામે આવ્યું છે. આમ કુલ 3.51 લાખની છેતરપિંડી મામલે ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી.
સરકારી વકીલે વધુ સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા
મીડિયા અહેવાલ મુજબ, મેટ્રો કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, કિરણ પટેલે ઇવેન્ટ માટે PMOના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી હતી. આ મામલે સરકારી વકીલે વધુ સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. જ્યારે બીજી તરફ બચાવ પક્ષે કહ્યું હતું કે, હાર્દિક ચંદારાણાની પોલીસે પૂછપરછ કરી હતી, જેમાં હાર્દિક ચાંદારણા કિરણ પટેલ સાથે કાશ્મીર ગયો હોવાનું સામે આવ્યું હતું, અને પોલીસે હાર્દિકને ફરિયાદ કરવા કહ્યું હતું. જો કે, ઇવેન્ટ હાર્દિકે કરી હતી. અમારા અસીલે કોઈ બુકિંગ કરવા કહ્યું નથી. બચાવ પક્ષે કહ્યું કે, ક્રાઈમ બ્રાન્ચને તપાસ કરવા અમારા અસીલના રિમાન્ડની જરૂર નથી. જો કે, કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને કિરણ પટેલના 18 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.