નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઇ ગામે એક તસ્કર કિરાણાની દુકાનમાંથી ચોરી કરતો કેમેરામાં કેદ થયો છે. વિસ્તારમાં આવેલા એક કિરાણા સ્ટોરમાં મોડી રાતે જાણભેદુ તસ્કર ઘૂસી રૂ.15 હજારની રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જો કે, આ શખ્સ સ્ટોરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાંસદા તાલુકાના ઉનાઇ ગામે આવેલ જય શ્રી સુપર માર્કટ નામની કિરાણાની દુકાનમાં ચોરીનો બનાવ બન્યો છે. મોડી રાતે કોઈ જાણભેદુ તસ્કર સ્ટોરની છતનું પતરું હટાવી અંદર પ્રવેશ્યો હતો. તેના મોઢા પણ ઓઢણી બાંધેલી હતી. સ્ટોરમાં પ્રવેશતાની સાથે જ તેણે સ્ટોરના સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા. તસ્કરે દુકાનમાંથી રૂ.15 હજાર રોકડની ચોરી કરી હોવાની માહિતી છે. સાથે જ તસ્કરે સ્ટોરમાંથી કાજૂ બદામની મિજબાની પણ માણી હોવાનું માલુમ પડ્યું હતું.
સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
આ મામલે સ્ટોરના માલિકે ફરિયાદ કરતા સ્થાનિક પોલીસે અજાણ્યા શખ્સ સામે ચોરી સહિતનો ગુનો નોંધી સ્ટોરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી નવસારીમાં તસ્કરોનો આતંક વધ્યો છે. પોલીસ અને કાયદાના ડર વિના તસ્કરો ચોરીની વારદાતને અંજામ આપી રહ્યા છે. ત્યારે આ મામલે નવસારી પોલીસ ત્વરિત કાર્યવાહી કરે તેવી નાગરિકોની માગ છે.