NIA જમ્મુ-કાશ્મીરના પુંછમાં સેનાના વાહન પર થયેલા આતંકી હુમલાની તપાસ કરશે. NIAની પાંચ સભ્યોની ટીમ પરિસ્થિતિનો તાગ મેળવવા આજે ઘટનાસ્થળે પહોંચશે. ગુરુવારે આર્મી ટ્રક પર થયેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા જ્યારે એક જવાન ઘાયલ થયો. આ હુમલો ત્યારે થયો જ્યારે સેનાની ટ્રક ભીમ્બર ગલીથી પુંછ તરફ જઈ રહી હતી.
આતંકવાદીઓની શોધ ચાલુ
આ દરમિયાન સુરક્ષા દળોએ દરેક જગ્યાએ શોધખોળ શરૂ કરી દીધી છે. ડ્રોનની મદદથી જંગલના દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. હાલમાં પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો ત્રણથી ચાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. હુમલો કરતા પહેલા વિસ્તારની રેકી કરવામાં આવી હતી.
સ્ટીલની ગોળીઓ મળી
આતંકીઓએ હુમલા બાદ ભાગી જવા માટે સંપૂર્ણ રૂટ પ્લાન પણ તૈયાર કર્યો હતો. સાથે જ ઘટનાસ્થળેથી સ્ટીલની ગોળીઓ પણ મળી આવી છે. આ બુલેટ ખૂબ જ ઘાતક હોય છે, તે બુલેટ પ્રુફ જેકેટમાં ઘૂસી જવાની પણ ક્ષમતા ધરાવે છે. મળતી માહિતી મુજબ, ગ્રેનેડ હુમલા બાદ આતંકીઓએ સ્ટીલની ગોળીઓથી ફાયરિંગ કર્યું હતું. માહિતી અનુસાર, ટ્રકમાં આગ લાગ્યા બાદ પણ આતંકવાદીઓએ જવાનો પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો.
PAFF એ લીધી હુમલાની જવાબદારી
જૈશના પ્રોક્સી સંગઠન પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ હુમલાની જવાબદારી લીધી છે. આ આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીરમાં સક્રિય છે. 2019 માં, PFF જૈશના પ્રોક્સી સંગઠન તરીકે ઉભરી આવ્યું. આ સંગઠન 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ ચર્ચામાં આવ્યું અને ત્યારથી તે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરી રહ્યું છે. PAFF એ મે મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં યોજાનારી G-20 બેઠક અંગે પણ ચેતવણી જારી કરી હતી.