જેટલી નોટિસ 2 વર્ષમાં પ્રદૂષણ બોર્ડે આપી તેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનના પીરાણા, જૂના વાસણા, નવા વાસણા, જળ વિહાર, ખાનપુરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ને આપવામાં આવી છે. આ પ્લાન્ટમાં 180 એમએલડીથી 48 એમએલડીના તમામ પ્લાન્ટનો સમાવેશ થાય છે.
સાબરમતીમાં કેમિકલવાળું પાણી છોડવાને કારણે નદી પ્રદૂષિત હોવાની જાણકારી સરકારને છે કે નહીં તે અંગે વિધાનસભામાં ડો.સી.જે. ચાવડા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે તેને આ અંગે જાણ હોવાની કબૂલાત કરી હતી. છેલ્લા 2 વર્ષમાં આ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પ્રદૂષિત પાણી છોડતા એકમોને 111 કારણદર્શક નોટિસ, 47 નોટિસ ઓફ ડાયરેક્શન, 2 લીગલ નોટિસ અને 39 ક્લોઝર નોટિસ ઈશ્યૂ કરી હોવાનું જણાવ્યું હતું. જીપીસીબીએ માત્ર મ્યુનિ.ને વર્ષમાં કુલ 112 નોટિસ ફટકારી છે, આશ્ચર્યજનક બાબત એ છે કે, જેટલી નોટિસ 2 વર્ષમાં પ્રદૂષણ બોર્ડે આપી તેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનના પીરાણા, જૂના વાસણા, નવા વાસણા, જળ વિહાર, ખાનપુરના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી)ને આપવામાં આવી છે.
આ પ્લાન્ટમાં 180 એમએલડીથી 48 એમએલડીના તમામ પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે ખાનગી એકમોને પણ નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે તેમાં પણ આંગળીના ટેરવે ગણી શકાય તેટલી જ કંપનીઓ સાબરમતી નદીને પ્રદૂષિત કરે છે. આ એકમોને પણ વર્ષ 2021 અને વર્ષ 2022 દરમિયાન વારંવાર નોટિસો ઈશ્યુ કરવામાં આવી હોવા છતાં નદીની સ્થિતિ પ્રદૂષિત જ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં પણ આ અંગેની પિટિશન ચાલી રહી છે. પિટિશન દરમિયાન હાઈકોર્ટના નિર્દેશથી મ્યુનિ.એ કેટલીક ખાનગી કંપનીઓ સામે આકરા પગલાં પણ લીધા હતા અને કંપનીઓ સીલ કરી ગટરના જોડાણ પણ કાપી નાખવામાં આવ્યા હતા. જો કે, વાડ જ ચીભડા ગળતી હોય તેમ ખુદ મ્યુનિ. કોર્પોરેશન જ તેમના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ગંદું પાણી નદીમાં ઠાલવે છે. દેશની પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો પણ એકથી દસો નંબર આવે છે.