ટેબલ ટેનિસની રમતને વધુ ઉંચાઈ પર લઈ જવાના આશય સાથે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)એ આ વર્ષે યોજાનારી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે. શ્રી પ્રમોદ ચૌધરીના અધ્યક્ષપદ હેઠળ રવિવારે એકા ક્લબ, ટ્રાન્સસ્ટેડિયા, અમદાવાદ ખાતે યોજાયેલી એસોસિયેશનની વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં જીએસટીટીએના પ્રમુખ શ્રી ચૌધરીએ જાહેરાત કરી હતી કે ગયા વર્ષે ચાર અને એક સ્ટેટ ચેમ્પિયનશિપ યોજાઈ હતી જેની સરખામણીએ આ વર્ષે એસોસિયેશન દ્વારા આઠ સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ યોજાશે.
“આપણા ખેલાડીઓને સારી રીતે પરફોર્મ કરવા તથા વધુ મેચો રમવા મળે તે હેતુથી અમે સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટની સંખ્યા બમણી કરી દીધી છે. તેનાથી અમને આ રમતને અંતરિયાળ સ્થળોએ યોજવામાં પણ મદદ મળશે.” તેમ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું. એજીએમમાં વર્ષનું ટેબલ ટેનિસ કેલેન્ડરને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. અને સિઝનની પ્રથમ ટુર્નામેન્ટ રાજકોટમાં 25થી 28મી મેએ યોજાશે. ત્યાર બાદની વિવિધ ટુર્નામેન્ટ માટે ભરૂચ, ભઆવનગર, વડોદરા, જામનગર, કચ્છ, નવસારી, આણંદ તથા અમદાવાદને શક્ય યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે. “ખેલાડીઓમાં આકર્ષણ વધે તે માટે અમે આ તમામ ટુર્નામેન્ટની ઇનામી રકમમાં દસ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. દર વર્ષે અમે અગાઉના વર્ષના આયોજનમાંથી શીખ્યા છીએ અને રમતને વેગ આપવા માટે તેમાં સતત સુધારા કરતા રહેવાનો પ્રયાસ કરતા રહીએ છીએ.” તેમ શ્રી ચૌધરીએ ઉમેર્યું હતું.
એજીએમમાં લેવાયેલા અન્ય મહત્વપૂર્ણ નિર્ણયમાં શ્રી આલક કુમાર પાંડે (આઇએએસ)ને જીએસટીટીએના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે મિસ. તુલસી સુજાન (કચ્છ)ને જીએસટીટીએના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરાયા છે. શ્રી ચૌધરીએ જણાવ્યું હતું કે “એક અસામાન્ય નિર્ણયમાં એસોસિયેશન હવે કેમ્પ અને ટુર્નામેન્ટ આયોજિત કરીને વિવિધ જિલ્લા એસોસિયેશનના આર્થિક રીતે પણ સહયોગ આપશે.” જીએસટીટીએના સેક્રેટરી શ્રી કુશલ સંગતાણીએ જણાવ્યું હતું કે “એજીએમની અન્ય મહત્વની બાબતોમાં ટેકનિકલ ઓફિશિયલના દૈનિક ભથ્થામાં વધારો, વધુ પારદર્શિતા માટે નવી પસંદગી નીતિ, સ્પષ્ટતા તથા નેશનલ લેવલે વધુ સારા દેખાવના આશયની બાબતો સામેલ છે.”