મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા ક્ષેત્રમાં અત્યાર સુધીની સૌથી મોટી સંયુક્ત લશ્કરી કવાયત બ્રાઈટ સ્ટાર-23માં ભાગ લેવા માટે ભારતીય સેના અને વાયુસેના (IAF)ની ટુકડીઓ એલેક્ઝાન્ડ્રિયા પહોંચી છે. ઉદ્ઘાટન સમારોહ 31 ઓગસ્ટે યોજાયો હતો. આ કવાયત 13 સપ્ટેમ્બરે ઇજિપ્તના મોહમ્મદ નાગુઇબ સૈન્ય મથક પર પૂર્ણ થશે.
ઇજિપ્તમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર જણાવ્યું કે આ કવાયતમાં 34 દેશો ભાગ લઇ રહ્યા છે. આ કવાયતમાં ભાગ લેવા માટે 550 ભારતીય સૈન્ય કર્મચારીઓની ટુકડી 29 ઓગસ્ટે આવી પહોંચી છે. તેનું પ્રતિનિધિત્વ 23 જાટ બટાલિયનની ટુકડી દ્વારા કરવામાં આવી રહ્યું છે. 31 ઓગસ્ટના રોજ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. વિદેશી કવાયત માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ભારતીય સૈન્ય તૈનાતી છે.
સંયુક્ત સૈન્ય અભ્યાસ બ્રાઇટ સ્ટાર-23નું નેતૃત્વ યુએસ સેન્ટકોમ અને ઇજિપ્તની સેના કરી રહી છે. કવાયતની પ્રથમ આવૃત્તિ 1980માં ઇજિપ્તમાં યોજાઇ હતી. 1995 પછી, અન્ય દેશોએ પણ તેમાં ભાગ લેવાનું શરૂ કર્યું. 2021માં 21 દેશોની સેનાઓએ આ કવાયતમાં ભાગ લીધો હતો. આ સૈન્ય અભ્યાસમાં નવા જોખમોનો સામનો કરવા અને વૈશ્વિક શાંતિ જાળવવા દેશો વચ્ચે પ્રાદેશિક ભાગીદારી વધારવા પર કેન્દ્રિત તાલીમ પ્રવૃત્તિઓનો સમાવેશ થશે. તેમાં સંયુક્ત આર્મ્સ ફાયરિંગ એક્સરસાઇઝ પણ સામેલ હશે. આ ઉપરાંત સાયબર સિક્યોરિટી પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવાની પણ યોજના છે.