ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. 23 એપ્રિલ 2003માં શરૂ કરલા સ્વાગત કાર્યક્રમની લોકપ્રિયતાએ પ્રજામાં સરકારના પારદર્શક વહીવટ અને સકારાત્મક અભિગમની છબી ઉભી કરી છે. હાલ રાજ્યભરમાં ઉજવાઈ રહેલા સ્વાગત કાર્યક્રમને વલસાડ જિલ્લામાં પણ અપાર સફળતા મળી રહી છે. જેનુ ઉદાહરણ વલસાડ તાલુકાના અટગામ ગામના બે લાભાર્થી ખેડૂતોને વલસાડ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં થયેલા સુખદ અનુભવ પરથી જાણી શકાય છે. આવા જ એક લાભાર્થી છે વલસાડ તાલુકાના અટગામ ગામના જોટીંગ તળાવ ફળિયાના રહીશ રમણલાલ છોટુભાઈ પટેલ. તેઓ સર્હષ જણાવે છે કે, અમારા ગામમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ.ના ડુંગરી વિભાગમાં ઠક્કરવાડા ગામના ખેતીવાડી એરિયામાં જોટીંગ તળાવથી બામખાડી વિસ્તારમાંથી ડેડલાઈન પસાર થાય છે. ઘણા વર્ષો પહેલા ખેતરમાંથી પસાર થતી આ વીજ લાઈન હાલમાં બિનઉપયોગી છે. ખેતરમાં કામ કરતા ખેડૂતોથી માંડીને મજૂરો માટે પણ જીવનું જોખમ પેદા કરી શકે તેવી લાઈન છે. જેથી આ ડેડલાઈનને ખેતરમાંથી દૂર કરવા માટે તા. 19 એપ્રિલ 2023ના રોજ સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. અને તા. 26 એપ્રિલના રોજ આ કાર્યક્રમ થાય તે પહેલા જ ગણતરીના દિવસોમાં ખેતરમાંથી ડેડલાઈનને સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. જેથી ખેડૂતો અને મજૂરોને રાહત થઈ છે. સ્વાગત કાર્યક્રમ હકીકતમાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે સેતુરૂપ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રજાલક્ષી અને લોકાભિમુખ વહીવટની અરજદારોને પ્રતીતિ થઈ રહી છે. જે બદલ ખેડૂત રમણલાલ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વાગત કાર્યક્રમના અન્ય એક લાભાર્થી મગનભાઈ છોટુભાઈ પટેલ (રહે. અટગામ)એ જણાવ્યું કે, અટગામના જોટીંગ તળાવ પાસે બહાદૂર ફળિયા પાસે ખવાઈ ગયેલી ડીપીનું બોક્ષ અને ફ્યુઝમાં વારે ઘડીએ તણખાં ઝરતા હતા. જેથી લોકોના જીવ સામે જોખમ હતું. આ બાબતે ડીજીવીસીએલની ડુંગરી સ્થિત પેટા વિભાગીય કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ગામમાં પહોંચી નવુ ડીપી બોક્ષ લગાવવામાં આવ્યું છે. જેનાથી ગામના તમામ રહીશોને રાહત થઈ છે. જે બદલ ગુજરાત સરકારનો આભાર માનીએ છે. અત્રે ઉલ્લખનીય છે કે, જનસુખાકારી માટે અવિરત ચાલી આવતા સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં સ્વાગત સપ્તાહની ઉજવણી થઈ રહી છે. જેમાં ફરિયાદોનું સ્વાગત કરી ત્વરિત નિરાકરણ પણ લાવવામાં આવે છે. સ્વાગત કાર્યક્રમમાં અનેક લોકોના પ્રશ્નો ઉકેલાતા તેઓએ રાજ્ય સરકારના વહીવટ સામે સંતોષ દર્શાવ્યો હતો. અરજદારો સ્વાગત કાર્યક્રમની ભારોભાર પ્રશંસા કરી ગુજરાત સરકારના સુદઢ વહીવટ અને સુશાસન બદલ આભાર માની રહ્યા છે.