ભાજપે દારૂ કૌભાંડને લઈને આમ આદમી પાર્ટી પર જોરદાર પ્રહારો કર્યા છે. પાર્ટીના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે AAPએ રાજકીય ભ્રષ્ટાચાર માટે એક પેઢી અને યુવાનોને દારૂમાં ડુબાડી દીધા
આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે શિક્ષણ મંત્રી દારૂના મંત્રી છે, આ નવી રાજનીતિ છે. પૈસા કમાવવા માટે યુવા પેઢી સાથે ખતરનાક રમત રમવામાં આવી. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, પાર્ટી દિલ્હીના લોકોને જાગૃત કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવશે જેથી કરીને યુવા પેઢી અને દિલ્હીના નાગરિકો સમજી શકે.
આપને જણાવી દઈએ કે સીબીઆઈ દ્વારા રવિવારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં લગભગ 8 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ પછી, CBIએ તેને સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાં કોર્ટે તેમને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા. આ પછી આજે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટમાંથી નિરાશા સાંપડી છે. સુપ્રીમ કોર્ટમાં સીધા જ જામીન માટે અરજી કરવા પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ નરસિમ્હાની બેન્ચે કહ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ આવી ગયા.