પરંતુ, સુરતની એક યુવતીએ તાવડીને કંઇક અલગ જ રંગરૂપ આપી મનમોહિત કલા કારીગરી કરી અનોખી બનાવી છે, જેને લઈ આ તાવડીને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે.
મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ અનેક પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે સુરતમાં રહેતી જાનવી પટેલને બાળપણથી જ આર્ટનો શોખ છે. તે વિવિધ વસ્તુઓ પર પોતાની કારીગરી થકી નવા રંગ પૂરી દે છે. ત્યારે તેને અચાનક જ એક વિચાર આવ્યો કે તાવડીનો રંગ હંમેશા કાળો જ કેમ હોય છે? શા માટે તાવડીના કલર અલગ નથી હોતા. આ વિચાર આવતા જ તેણે વિવિધ વિસ્તારના આર્ટ અને કલા-કારીગરીની માહિતી મેળવી, જેમાં ખાસ કચ્છી આર્ટ સમગ્ર દુનિયામાં ખૂબ વિખ્યાત છે. તેથી તેને લીપણ આર્ટ થકી સૌપ્રથમ તાવડીને શેપ આપ્યો.
ડિઝાઇન વાળી તાવડીની માર્કેટમાં માગ
આ શેપ આપ્યા બાદ વિવિધ કલા-કારીગરી થકી તેમાં ડિઝાઇન બનાવી અને વિવિધ રંગ પૂરી તાવડીને અનોખું રૂપ આપ્યું. સૌ કોઈ પહેલી નજરે થાપ ખાઈ જાય છે, કારણ કે તાવડીનું નામ માઈન્ડમાં આવતા જ કાળા કલરની તાવડી સૌ કોઈના દિમાગમાં આવે છે. જોકે, જાનવીએ બનાવેતી તાવડીને જોવા માટે અનેક લોકો તેની મુલાકાત લે છે. સાથે જ આ ડિઝાઇન વાળી તાવડીની માર્કેટમાં પણ ખૂબ માગ છે. જાનવીએ તાવડીનો બિઝનેસ શરૂ કર્યો છે, જેમાં તેને ખૂબ સફળતા મળી રહી છે. ખરેખર મહિલાઓ પુરુષ સમોવડી બની હોવાનું ઉત્તમ ઉદાહરણ જનવીએ પૂરું પાડ્યું છે.