1લી મેના રોજ જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે જામનગર તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પરંતુ, આ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.
માહિતી મુજબ, જામનગર શહેરના સાત રસ્તા પાસે આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે ગુરુવારે મધ્ય રાતે ગ્રાઉન્ડમાં તૈયાર કરવામાં આવેલો સ્ટેજ અચાનક તૂટી પડ્યો હતો. ટેક્નિકલ ખામીના કારણે સ્ટેજની કમાન વચ્ચેથી તૂટી પડતા સ્ટેજ ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 1 બાળકીને માથાના ભાગમાં ઇજા પહોંચી હતી, જ્યારે શ્રમિકો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રેક્ટિસ કરતા કલાકારો સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શસ્ત્ર પ્રદર્શન, મહારાણા પ્રતાપના સ્ટેચ્યુનું અનાવરણ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર હોવાની માહિતી મળી છે. જણાવી દઈએ કે આ વર્ષે ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવનાર છે, જે અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન, મહારાણા પ્રતાપના સ્ટેચ્યુનું અનાવરણ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.