પ્રયાપ્ત સભ્ય સંખ્યા બળ ન હોવાના બહાનું આપી રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ કોંગ્રેસ પાસેથી વિરોધ પક્ષના નેતાનું પદ, કાર્યાલય અને કારની સુવિધાઓ આંચકી લીધી છે. એક જનપ્રતિનિધિ તરીકે પોતાની ફરજ અદા કરવા માટે આજે પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલા કોર્પોરેશનના બગીચાને જ કોંગ્રેસ કાર્યાલય બનાવી દીધું હતું અને સતત બે કલાક સુધી અરજદારોની રજૂઆત સાંભળી હતી. અલગ-અલગ ફોર્મમાં નગરસેવક તરીકે સહિ-સિક્કા પણ કરી આપ્યા હતા. રાજકારણમાં હરિફાઇ હોવી જોઇએ પરંતુ રાગ-દ્વેષ ક્યારેય ન રાખવો જોઇએ. આજે જે રિતે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરે બગીચામાં બેસી અરજદારોને સાંભળવા પડ્યા હતા તે ઘટના રાજકોટની અસ્મિતા માટે ખૂબ જ ખરાબ છે. કોર્પોરેશનની ગત સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર એક વોર્ડની ચાર બેઠકો જીતી શકી હતી. માન્ય વિરોધ પક્ષનો દરજ્જો મેળવવા માટે આઠ બેઠકો જરૂરી છે. પ્રયાપ્ત સભ્ય સંખ્યા બળ ન હોવા છતાં ભાજપના શાસકોએ મોટું મન રાખીને વિરોધ પક્ષનો દરજ્જો આપ્યો હતો અને નેતાને કાર તથા કાર્યાલયની પણ ફાળવણી કરવામાં આવી હતી. 23 મહિના સુધી રહેમ રાહ રખાયા બાદ અચાનક ગઇકાલે કાર અને કાર્યાલયની સુવિધાઓ આંચકી લેવામાં આવી હતી. અરજદારોને હાલાકી વેઠવી ન પડે તે માટે વિરોધ પક્ષના પૂર્વ નેતા ભાનુબેન સોરાણી આજે સવારે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મ્યુનિ.કમિશનરની ઓફિસની સામે આવેલા બગીચામાં કાર્યાલય બનાવી અરજદારોને સાંભળ્યા હતા. આગામી દિવસોમાં કોંગ્રેસના કોર્પોરેટરોને બેસવા માટે જગ્યા આપવા અંગે વધુ એક વખત મેયરને રજૂઆત કરવામાં આવશે. દરમિયાન આજે બગીચામાં કોંગ્રેસ કાર્યાલય શરૂ કરાયા બાદ સ્ટ્રીટ લાઇટ, ગંદા પાણીની ફરિયાદ, ઉભરાતી ગટરની ફરિયાદ, ધીમા ફોર્સથી પાણી મળતું હોવાની ફરિયાદ અને સીસી રોડના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ મળી હતી. પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ એવી ઘોષણા કરી છે કે તેઓ હવે રોજ સવારે 11:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી એમ બે કલાક કોર્પોરેશનના બગીચામાં બેસીને લોકોના પ્રશ્ર્નો અને રજૂઆતને સાંભળશે. ગાડીની સુવિધા છીનવાઇ ગયા બાદ આજે તેઓ રિક્ષામાં કચેરી સુધી આવ્યા હતા.