કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે. આથી રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષ જનતાને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ચૂંટણી માહોલમાં નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ પણ લગાવી રહ્યા છે. આ વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળની તુલના આતંકી સંગઠન PFI સાથે કરતા સુરતમાં બજરંગ દળ તેમ જ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ નોંધાવ્યો હતો.
કર્ણાટક માં ચૂંટણી ચાલી રહી છે. ત્યારે મતદારોને રીઝવવાના પ્રયાસમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ સામે અંકુશ લાદવાની તેમ જ બજરંગદળની સરખામણી આતંકી સંગઠન PFI સાથે કરતા સુરત બજરંગ દળના કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો, જેથી સુરતના માનગઢ ચોક ખાતે બેનરો સાથે કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ સાતે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાનો વિરોધ કરાયો હતો.
મહત્વનું છે કે, કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ રાહુલ ગાંધીએ પણ ચૂંટણી પ્રચારમાં અગાઉ મોદી અટકને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેને પગલે તેમના પર સુરતના ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા માનહાનીનો કેસ સુરતની કોર્ટમાં કરવામાં આવ્યો હતો. આ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. ત્યારબાદ તેમનું સાંસદ પદ પણ તેમની પાસેથી છિનવાઈ ગયું હતું. આમ કોંગ્રેસ ફરીથી વિવાદાસ્પદ લખાણ લખતા સુરત બજરંગ દળ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો. આ સાથે જ ભારતને કોંગ્રેસ મુક્ત બનાવવાની અને આગામી ચૂંટણીમાં હરાવવાની બજરંગ દળના કાર્યકર્તાઓએ ચીમકી ઉચ્ચારી હતી. જણાવી દઈએ કે, કર્ણાટકમાં 10મેના રોજ મતદાન યોજાશે. જ્યારે ચૂંટણી પરિણામ 13 મેના રોજ જાહેર થશે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે.