વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 9 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. પીએમએ કહ્યું કે, દેશમાં રેલ કનેક્ટિવિટી હવે ઝડપથી વધી રહી છે અને લોકોને ટ્રેનોમાં પણ નવી સુવિધાઓ મળી રહી છે. પીએમ મોદીએ આ ટ્રેનોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરી હતી, જે 11 રાજ્યોના ધાર્મિક અને પર્યટન સ્થળોને જોડશે.
9 વર્ષમાં રેલવે સિસ્ટમમાં અભૂતપૂર્વ ફેરફારો થયા: PM
ટ્રેનોના લોકાર્પણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં રેલવે સિસ્ટમમાં અભૂતપૂર્વ ફેરફારો થયા છે. પીએમે કહ્યું કે, આજે સ્ટેશનો સ્વચ્છ છે, નવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. દેશભરના રેલવે સ્ટેશનોની જૂની સિસ્ટમને બદલીને આજની અને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર ફરીથી બનાવવામાં આવી રહી છે.
‘હવે માત્ર જાહેરાત જ નહીં કામ પણ થાય છે’
લોકાર્પણ દરમિયાન, પીએમએ કહ્યું કે, અગાઉની સરકારોમાં રેલવે મંત્રી બનવાની સ્પર્ધા હતી અને કહેવામાં આવ્યું હતું કે જે રાજ્યમાંથી રેલવે મંત્રી હશે, તે રાજ્ય જ વધુ નવી ટ્રેનો ચલાવશે. પીએમે કહ્યું કે, હવે એ યુગ વીતી ગયો છે અને હવે માત્ર જાહેરાતો જ નથી થતી, નવી ટ્રેનો પણ પાટા પર દોડતી જોવા મળે છે.
આ રૂટ પર ટ્રેનો દોડશેઃ
ઉદયપુર-જયપુર વંદે ભારત એક્સપ્રેસ (રાજસ્થાન)
હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ (તેલંગાણા અને કર્ણાટક)
પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ (બિહાર અને પશ્ચિમ બંગાળ)
રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ (ઓડિશા)
જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ (ગુજરાત)
રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ (ઝારખંડ અને પશ્ચિમ બંગાળ)
તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ (તમિલનાડુ)
વિજયવાડા-રેનીગુંટા-ચેન્નઈ વંદે ભારત એક્સપ્રેસ (આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ)
કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ (કેરળ)