ટ્વિટરના માલિક એલન મસ્કે ફરી એકવાર પોતાના નિર્ણયથી દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા છે. તેમણે આજે એક મોટી જાહેરાત કરી છે. મસ્કે ટ્વિટરના સીઈઓ પદ છોડવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં, તેમણે માઇક્રો બ્લોગિંગ સાઇટ માટે નવો સીઇઓ પણ શોધી કાઢ્યો છે. જો કે હાલમાં મસ્ક દ્વારા નવા સીઈઓનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેમણે નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે હવે ટ્વિટરની કમાન હવે મહિલાના હાથમાં રહેશે.
એલન મસ્કે કહ્યું કે તેઓ ટ્વિટરના સીઈઓનું પદ છોડી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તેમણે ટ્વિટર માટે નવા સીઈઓની પસંદગી કરી છે. મસ્કના જણાવ્યા અનુસાર, નવા CEO 6 અઠવાડિયાની અંદર તેમનું કામ સંભાળશે.
કોણ છે લિન્ડા યાકારિનો
એલન મસ્કએ નવા સીઈઓનું નામ જાહેર કર્યું નથી, પરંતુ મીડિયા અહેવાલો સૂચવે છે કે ટ્વિટરનું નેતૃત્વ હવે એનબીસી યુનિવર્સલ એડવર્ટાઈઝિંગ ચીફ લિન્ડા યાકારિનો કરશે. પદ છોડ્યા પછી, ટ્વિટરમાં એલન મસ્કની ભૂમિકા એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીટીઓની રહેશે.
તમને જણાવી દઈએ કે લિન્ડા યાકારિનોને ડિજિટલ વર્લ્ડની દિગ્ગજ માનવામાં આવે છે. તે એનબીસી યુનિવર્સલ કંપનીમાં 2011થી કામ કરે છે. તે કંપનીમાં વિશ્વ જાહેરાત અને ભાગીદારી વિભાગના પ્રમુખ છે.