હિટવેવની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા રહેલી હોય લોકોને લૂ લાગવી, ડીહાઇડ્રેશન, સન સ્ટોક જેવી અસરો થઈ શકે. જેથી હિટવેવ દરમિયાન લોકોએ શું તકેદારી રાખવી? તે માટે ગુજરાત સરકાર દ્વારા જન હિતાર્થે સૂચનો અપાયા છે. જેમા આરોગ્યલક્ષી સુચનો નીચે મુજબ છે.
હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃધ્ધો તથા અશકત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. સીધા સૂર્યપ્રકાશથી બચો. ભીના કપડાથી માથું ઢાંકી રાખો અવાર -નવાર ભીના કપડાંથી શરીર લૂછો વારંવાર ઠંડુ પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, તાડફડી અને નાળિયેરનું પાણી, ખાંડમીઠાનું દ્રાવણ, ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા. બાળકો માટે કેસુડાના ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો. ગરમીમાં બહારથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન નીચું આવે ત્યારબાદ જ નાહવું, શક્ય હોય તો ઘરના બારી બારણા સાથે ખસની ટટ્ટી પાણી છાંટી બાંધી રાખવી. બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહીં, બજારમાં મળતા બરફનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગે દૂધ, માવાની આઈટમ ખાવી નહીં. દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાયામા રહેવુ. ઉપવાસ કરવાનું ટાળવું, ચા- કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન ટાળવું. હીટ વેવ ની ચેતવણીના દિવસોમાં બપોરે બે વાગ્યા થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું.